આને કહેવાય નહલે પે દહલા

04 December, 2023 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંસદસભ્ય અમોલ કોલ્હેએ ટ્રાફિક પોલીસ વસૂલી કરતી હોવાનો આક્ષેપ કરતાં પોલીસે સામે રોકડું પરખાવ્યું કે ભાઈ, તમે પહેલાં ૧૬,૯૦૦ રૂપિયાનો ફાઇન નથી ભર્યો એ તો ભરો

અમોલ કૉલહે

મુંબઈ :  એનસીપીના શરદ પવાર ગ્રુપના સંસદસભ્ય અમોલ કોલ્હેએ ટ્વિટર પર પોતાનો એક વિડિયો શૅર કરીને એવો આક્ષેપ કર્યો છે કે હાલની સરકાર વસૂલી સરકાર છે. તેમણે એક મહિલા ટ્રાફિક કૉન્સ્ટેબલે તેમને એક મેસેજ બતાવ્યો હોવાનું કહેતાં કહ્યું હતું કે ‘એ મેસજમાં દરેક ટ્રાફિક સિગ્નલ પર રોજના ૨૫,૦૦૦ રૂપિયાનો ફાઇન એકઠો થવો જોઈએ અને રોજના ૨૦ કેસ થવા જ જોઈએ એમ લખેલું હતું. જો આ રીતે વસૂલી કરાય તો મુંબઈમાં કુલ ૬૫૨ ટ્રાફિક જંક્શન છે અને રોજનો ૨૫,૦૦૦ રૂપિયાનો ફાઇન પકડો તો ૧.૬૩ કરોડનો ફાઇન તો માત્ર મુંબઈગરા પાસેથી જ વસૂલાય છે. બીજાં શહેરો જોડો તો એ આંકડો ક્યાં પહોંચે?’ 

જોકે તેમણે કરેલી એ ટ્વીટ બાદ મુંબઈ ટ્રાફિક પોલીસે જવાબ આપતાં કહ્યું હતું કે ‘અમોલ કોલ્હેએ ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં અનેક વાર ટ્રાફિકના નિયમો તોડ્યા છે. માત્ર મુંબઈ નહીં; નવી મુંબઈ અને સાતારા હાઇવે પર પણ નિયમો તોડ્યા હોવાથી તેમની સામે ૧૫ ઈ-ચાલાન ઇશ્યુ કરાયાં છે અને એના દંડની ૧૬,૯૦૦ રૂપિયાની રકમ તેમણે ભરી નથી. વળી એમાનાં મોટા ભાગનાં ઈ-ચાલાન તેમણે સ્પીડ-લિમિટનો ભંગ કરીને વધુ સ્પીડમાં કાર ચલાવી હોવાથી ઇશ્યુ કરાયાં છે. અમે આ માટે તેમને તેમના મોબાઇલ પર ફરી-ફરીને મેસેજ મોકલ્યા છે અને વિનંતી કરી છે કે દંડની એ રકમ ભરી દો.’    

મુંબઈ ટ્રાફિક પોલીસે વધુમાં કહ્યું હતું કે ‘૨૦૧૯થી મુંબઈમાં મોટર વેહિકલ ઍક્ટનો ભંગ કરનાર સામે ૧.૩૧ કરોડ ઈ-ચાલાન ઇશ્યુ કરાયાં છે જેના દંડની રકમ ૬૫૮ કરોડની એ મોટરિસ્ટોએ ભરી નથી. અમે આ વર્ષે ૩૦ નવેમ્બર સુધીમાં ૨૦૫ કરોડનો ફાઇન વસૂલ કર્યો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૪૬ કરોડનો એમાં વધારો થયો છે. અમે મુંબઈગરાને અપીલ કરતાં કહીશું કે ટ્રાફિકના નિયમો પાળો, એનો ભંગ ન કરો.’ 

ncpa mumbai traffic police mumbai news