દાઉદ ઇબ્રાહિમ ઘડી રહ્યો છે નરેન્દ્ર મોદીને મારવાનું કાવતરું

23 November, 2022 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

... અને બે લોકોને હત્યાની સુપારી આપી છે : ટ્રાફિક પોલીસના વૉટ્‌સઍપ નંબર પર બે દિવસમાં ૧૯ ઑડિયો-ક્લિપ અને ૨૦ મેસેજ આવતાં પોલીસ દોડતી થઈ : છેવટે કૉલ કરનાર માનસિક રોગી હોવાનું જણાયું

ફાઇલ તસવીર

ટ્રાફિક પોલીસ વિભાગના એક વૉટ્‌સઍપ નંબર પર બે દિવસમાં ૧૯ ઑડિયો ક્લિપ અને ૨૦ મેસેજ મોકલીને એક વ્યક્તિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાનું કાવતરું અન્ડરવર્લ્ડ ડૉન દાઉદે ઘડ્યું હોવાની માહિતી આપતાં મુંબઈ પોલીસ કામે લાગી હતી. જોકે તપાસમાં જણાયું હતું કે ડાયમન્ડના દાગીના બનાવતી એક કંપનીમાં અગાઉ કામ કરતા માનસિક રોગીએ આ કૉલ કર્યા હતા. કેરલામાંથી તેણે કૉલ કર્યા હોવાથી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈની ટ્રાફિક પોલીસના વૉટ્‌સઍપ કન્ટ્રોલ નંબર પર છેલ્લા કેટલાક સમયથી બૉમ્બધડાકા કરવાના કે મોટી હસ્તીને જાનથી મારી નાખવાની ધમકીના કૉલ મળી રહ્યા છે. એની તપાસમાં જણાયું હતું કે કોઈ પરેશાન કે માનસિક સ્થિતિ સારી ન હોય એવા લોકોએ આવી કરતૂત કરી હતી. જોકે પોલીસ ધમકીના કોઈ પણ કૉલ કે મેસેજને ગંભીરતાથી લે છે. ટ્રાફિક પોલીસને ૨૦ અને ૨૧ નવેમ્બરે ફરી ધમકીના કૉલ મળતાં પોલીસ દોડતી થઈ હતી.

૨૦ નવેમ્બરે ટ્રાફિક પોલીસના વૉટ્‌સઍપ નંબર પર ૭ ઑડિયો ક્લિપ અને ૧૧ મેસેજ અને ૨૧ નવેમ્બરે ૧૨ ઑડિયો ક્લિપ અને ૯ મેસેજ મળ્યા હતા. એમાં કૉલ કરનારે કહ્યું હતું કે અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો છે અને હત્યાની સુપારી મુસ્તાક અહમદ અને મુસ્તાક નામની બે વ્યક્તિને આપી છે.

મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ કૉલ અને મેસેજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લગતા હોવાથી મુંબઈ પોલીસે એને ગંભીરતાથી લીધા હતા અને તપાસ હાથ ધરી હતી. એમાં કૉલરના નંબર પરથી જણાઈ આવ્યું હતું કે સુપ્રભાત બેજ નામની વ્યક્તિએ આ કૉલ કર્યા હતા. પોલીસે બાદમાં આરોપી જ્યાં કામ કરતો હતો એ ડાયમન્ડ કંપનીમાં સંપર્ક કરતાં ખ્યાલ આવ્યો હતો કે સુપ્રભાત અહીં કામ કરતો હતો, પરંતુ તેની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેને કામ પર ન આવવાનું કહેવામાં આવ્યું હતું. 

mumbai mumbai news dawood ibrahim