લોકલ ટ્રેનમાં ચોરી કરવા જાદુગરોની ગજબ સ્ટાઇલ

20 January, 2019 08:57 AM IST  |  મુંબઈ | મમતા પડિયા

લોકલ ટ્રેનમાં ચોરી કરવા જાદુગરોની ગજબ સ્ટાઇલ

જાદુગર નામે કુખ્યાત ટોલખીના પગલે ચાલતી ગેન્ગના ગઠિયાઓ પાસેથી જપ્ત કરેલા સાધનો

ભીડનો લાભ લઈને હાથચાલાકી કરતી જાદુગર નામે કુખ્યાત ટોળકીથી પ્રેરાઈને મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના ગળામાંથી ચેઇન ખેંચનારા ત્રણ યુવાનને CID ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ટીમે પકડી પાડ્યા છે. કલ્યાણ, બદલાપુર અને ડોમ્બિવલી સ્ટેશનથી લોકલ ટ્રેનમાં ચડીને ભીડનો ફાયદો ઉઠાવી પ્રવાસીના ગળામાંથી સોનાની ચેઇન ખેંચાતી હોવાની ઘટના છાશવારે નોંધાઈ રહી હતી. રેલવે-પોલીસ દ્વારા પૅટ્રોલિંગ કરવા છતાં આ ટોળકી હાથતાળી આપીને ચોરીને અંજામ આપતી હતી. આખરે ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજ અને ખબરી નેટવર્કના આધારે રુહુલ લશ્કર, સફીક ગાયન અને અજીજુદ્દીન લશ્કરને તેમના ઘરેથી પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 1,10,860 રૂપિયાના સોનાના દાગીના જપ્ત કર્યા છે.

લોકલ ટ્રેનમાં ચેઇનચોરીના બનાવે નાકે દમ લાવી દીધો હતો એમ જણાવીને CID ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ ધનવટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભીડમાં સામાન્ય પ્રવાસીની જેમ ટ્રેનમાં ચડીને આ ત્રિપુટી ચોરી કરતી હતી. અમે કલ્યાણ, બદલાપુર અને ડોમ્બિવલી સ્ટેશનના ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. એમાંથી ઘણા શકમંદોના ફોટો ડેવલપ કરવામાં આવ્યા હતા અને ખબરી નેટવર્કમાં ફેરવવામાં આવ્યા હતા. એના આધારે કળવામાં શાંતિનગરની ઝૂંપડપટ્ટીમાં ગઠિયાઓ રહેતા હોવાની માહિતી મળી હતી. અમે બે-ચાર દિવસ વૉચ રાખ્યો હતો અને જાળ બિછાવીને ત્રિપુટીની ધરપકડ કરી હતી.’

સોનાને ઓગાળીને લગડી બનાવતા

લોકલ ટ્રેનમાંથી પ્રવાસીઓની ચોરેલી ચેઇનને ઘરમાં જ ઓગાળવામાં આવતી હતી. ચેઇન ઓગાળીને બનાવેલી લગડીને જ્વેલરને વેચવામાં આવતી હતી. એના માટે તેઓ ગૅસ-લાઇટરનો ઉપયોગ કરતા હતા. ગઠિયાઓના ઘરમાંથી ગૅસ-લાઇટર અને સોનાની લગડી મળી આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ વૉટ્સઍપ પર પુત્ર વિશે પપ્પાએ એવું શું જોયું કે પોલીસની મદદ લેવી પડી?

ગઠિયાઓની કાર્યપદ્ધતિ

છેલ્લા દોઢ-બે દાયકાથી મુંબઈના ભીડ ધરાવતા વિસ્તારોમાં અમુક સેકન્ડનું નાટક ભજવી ચોરીને અંજામ આપીને પાંચથી છ જણની ગૅન્ગ વિખરાઈ જતી હોય એવી જાદુગર નામે કુખ્યાત ટોળકી સાથે સરખાવી શકાય એવી કાર્યપદ્ધતિ લોકલ ટ્રેનમાં ચેઇનચોરીને અંજામ આપતા આ ગઠિયાઓની છે. રુહુલ લશ્કર આ ગૅન્ગનો મુખ્ય સૂત્રધાર પ્લૅટફૉર્મ પર ફરીને ટાર્ગેટ પર નજર રાખે છે એમ જણાવીને સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ ધનવટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યાર બાદ તે પોતાના બે સાગરીતોને ઇશારો કરીને ટાર્ગેટ દેખાડતો હતો. ટ્રેન આવતાં જ બન્ને ગઠિયાઓ પોતાની સેકબૅકની મદદથી ટાર્ગેટને ટ્રેનમાં ચડવા માટે અવરોધ પેદા કરતા અને એ દરમ્યાન માસ્ટર માઇન્ડ ચોર તેના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થઈ જતો.’

mumbai