નવાબ મલિક ભેદી મિલકત ધરાવે છે : સ્પેશ્યલ કોર્ટ 

07 December, 2022 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે આ વર્ષે ફેબ્રુઆરીમાં એનસીપીના એ નેતાની ધરપકડ કરી હતી

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિક તેમના પરિવારની માલિકીની ફર્મ મારફત ભેદી મિલકત ધરાવે છે એમ અહીંની સ્પેશ્યલ કોર્ટે ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતોને સંડોવતા જમીનના સોદાને લગતા મની લૉન્ડરિંગ કેસ મામલે ગયા અઠવાડિયે નવાબ મલિકની જામીનઅરજી ઠુકરાવતાં જણાવ્યું હતું.

પ્રથમદર્શી રીતે એ સૂચવતા પુરાવા મોજૂદ હતા કે મુનીરા પ્લમ્બર અને તેની માતા મરિયમ ગોવાવાલાની માલિકીની જમીન પચાવી પાડવા માટે દાઉદની બહેન હસીના પારકર, દાઉદના સાગરીત સલીમ પટેલ અને નવાબ મલિક વચ્ચે ષડ્‍યંત્ર ઘડાયું હતું એમ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળના કેસ માટેના સ્પેશ્યલ જજ આર. એન. રોકડેએ જણાવ્યું હતું. ન્યાયાધીશે ૩૦ નવેમ્બરે નવાબ મલિકની જામીનઅરજી નામંજૂર કરી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે આ વર્ષે ફેબ્રુઆરીમાં એનસીપીના એ નેતાની ધરપકડ કરી હતી. તેઓ જુડિશ્યલ કસ્ટડીમાં છે અને હાલમાં પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અદાલતે આદેશ આપ્યો હતો કે ‘પ્રાઇમ પ્રૉપર્ટી ગોવાવાલા કમ્પાઉન્ડ પચાવી પાડવાના ષડ્‍યંત્રને પગલે પીએમએલએની કલમ ૫૦ હેઠળ લેવામાં આવેલાં નિવેદનો અને તપાસ દરમ્યાન એકઠી કરવામાં આવેલી સામગ્રીના આધારે હું ઠરાવું છું કે અરજકર્તા સૉલિડ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ થકી ભેદી મિલકત ધરાવે છે.’

mumbai mumbai news nawab malik