૧૧ વર્ષના આ બાળકનો જીવ જતો રહ્યો એના માટે ઝાડ જવાબદાર નથી

01 July, 2026 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેમ્બુરના તિલકનગરમાં સ્કૂલબસ પર વૃક્ષ તૂટી પડ્યું એને પગલે વિહાન શ્રીવાસ્તવનું મૃત્યુ થયું એ બરાબર, પણ રસ્તાના કૉન્ક્રીટીકરણ વખતે ઝાડનું મૂળ કપાઈ ગયું હતું અને BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ ડિપાર્ટમેન્ટને એની જાણ કરવામાં આવી હતી એ છતાં કોઈ અૅક

ઝાડ પડવાથી દબાઈ ગયેલી સ્કૂલબસ અને ઊખડી ગયેલું ઝાડ. તસવીરો: સાર્થક મહેતા.

ચેમ્બુરના તિલકનગરમાં સ્કૂલબસ પર વૃક્ષ તૂટી પડ્યું એને પગલે વિહાન શ્રીવાસ્તવનું મૃત્યુ થયું એ બરાબર, પણ રસ્તાના કૉન્ક્રીટીકરણ વખતે ઝાડનું મૂળ કપાઈ ગયું હતું અને BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ ડિપાર્ટમેન્ટને એની જાણ કરવામાં આવી હતી એ છતાં કોઈ ઍક્શન ન લેવાઈ એને લીધે થઈ આ જાનહાનિ

ચેમ્બુરના તિલકનગરમાં આવેલી યુનિવર્સલ હાઈ સ્કૂલની બસ પર ગઈ કાલે બપોરે ૧.૪૫ વાગ્યાની આસપાસ રોડ-નંબર ૧૧ પર હેરિટેજ પ્રાઇડ બિલ્ડિંગ પાસેનું વર્ષો જૂનું તોતિંગ પીપળાનું ઝાડ તૂટી પડ્યું હતું. સ્કૂલથી બાળકોને ઘરે મૂકવા જઈ રહેલી બસની છત પર ઝાડ પટકાતાં બસ દબાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં બેઠેલા ૧૩માંથી ૧૨ વિદ્યાર્થીઓને અને ડ્રાઇવર અને કન્ડક્ટરને બચાવી લેવાયા હતા, જ્યારે બસમાં ફસાઈ ગયેલા ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમને વિહાન સહિત સારવાર માટે ઝેન હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે ઝેન હૉસ્પિટલના ડૉક્ટરોએ વિહાનને તપાસીને ગંભીર ઈજાઓ થવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. 

આ દુર્ઘટના બાદ વાલીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ એ વાતનો છે કે આટલી ગંભીર દુર્ઘટના ટાળી શકાઈ હોત. આ વિસ્તારના રહેવાસીઓ અને ગાર્ડન કમિટીના સભ્યોના કહેવા મુજબ આ ઝાડ જોખમી હોવાનું BMCને જણાવવામાં આવ્યું હતું છતાં BMCએ સમયસર ઍક્શન ન લીધી હોવાથ‌ી આ જીવલેણ અકસ્માત થયો હતો. 

ઘટનાની જાણ થતાં BMCના ઑફિસરો, ફાયરબ્રિગેડ સાથે  સ્થાનિક તિલકનગર પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. BMCના ઑફિસરોની દોરવણી હેઠળ ત્યાર બાદ મૂળમાંથી જ ઊખડી ગયેલી પીપળાની મોટી-મોટી ડાળીઓ ઇલેક્ટ્રિક કટરથી કાપીને છૂટી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વાલીઓ પણ તેમનાં બાળકોની ચિંતા થતાં સ્પૉટ પર ધસી ગયા હતા. 
માર્ચ મહિનામાં ઝાડનું ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ રસ્તા પર કૉન્ક્રીટનું કામ ચાલતું હતું એ સમયે કૉન્ટ્રૅક્ટરની બેદરકારીને લીધે ઝાડનું મૂળ અમુક હદ સુધી કપાઈ ગયું હતું. ત્યાર બાદ રસ્તાની બાજુમાં આવેલા આ વિશાળ વૃક્ષ બાબતે સ્થાનિકોએ BMCની વૉર્ડ ઑફિસમાં પત્ર પણ આપ્યો હતો અને રજૂઆત કરી હતી. જોકે BMC ઍક્શન લે એ પહેલાં જ ઝાડ તૂટી પડતાં એક છોકરાએ જીવ ગુમાવવો પડ્યો હતો.    

જો આમાં કોઈની બેદરકારી જણાશે તો તેની સામે કાર્યવાહી થશે ઃ રિતુ તાવડે

મુંબઈનાં મેયર રિતુ તાવડે આ દુર્ઘટનાની જાણ થતાં સ્પૉટ પર પહોંચી ગયાં હતાં અને પોલીસ અને BMC ઑફિસર સાથે વાતચીત કરી હતી. રિતુ તાવડેએ કહ્યું હતું કે ‘અમને મળેલી માહિતી મુજબ આ વિસ્તારના ઝાડ મૉન્સૂન પહેલાં ટ્રિમ કરવામાં આવ્યાં હતાં. જોકે આ જે પીપળાનું ઝાડ પડી ગયું છે એ બહુ જ તોતિંગ અને જૂનું હતું. અમે એ ઝાડ સંદર્ભેનો અહેવાલ મગાવ્યો છે. આ વિસ્તારમાં હાલમાં જ રસ્તાઓનું કૉન્ક્રીટાઇઝેશન કરાયું છે. શું એ બાબતે અહીંના સ્થાનિક લોકોએ BMCમાં ફરિયાદ કરી હતી? એની તપાસ કરાશે. આ પ્રકરણમાં જો કોઈની બેદરકારી સામે આવી તો તેમની સામે કડક ઍક્શન લેવામાં આવશે.’

ગાર્ડન ડિપાર્ટમેન્ટ તરફથી રોડ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક કાર્યવાહીની જાણ કરાઈ હતી: ગાર્ડન કમિટીનાં અધ્યક્ષ હેતલ ગાલા

ભારતીય જનતા પાર્ટીનાં કૉર્પોરેટર અને ગાર્ડન કમિટીનાં અધ્યક્ષ હેતલ ગાલાએ આ બાબતે સ્પષ્ટતાં આપતાં કહ્યું હતું કે ‘આ રોડના કૉન્ક્રીટાઇઝેશન દરમ્યાન ૬૦થી ૭૦ વર્ષ જૂના આ પીપળાના ઝાડને નુકસાન થયું છે. એના માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે એવી જાણ ગાર્ડન ડિપાર્ટમેન્ટ તરફથી રોડ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી હતી છતાં આ ગફલત રહી ગઈ તો હવે જવાબદાર અધિકારી વિરુદ્ધ ઑફિશ્યલ ઇન્કવાયરી બેસાડીને કડક કાર્યવાહી થવી જોઈએ.’  

mumbai news mumbai chembur brihanmumbai municipal corporation mumbai crime news Crime News monsoon news