18 August, 2021 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ દાદરમાં રાજ્યના પહેલા ઈ-ચાર્જિંગ સ્ટેશનનું કર્યું ઉદ્ઘાટન
પેટ્રોલના ભાવ આસમાનને આંબી રહ્યા છે અને પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વેહિકલ્સમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે અને એથી એ માટેની માળખાગત સુવિધાઓ ખાસ કરીને પબ્લિક ઈ-ચાર્જિંગ સ્ટેશન માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. ગઈ કાલે રાજ્યના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ રાજ્યના પહેલા પબ્લિક ઈ-ચાર્જિંગ સ્ટેશનનું દાદર-વેસ્ટમાં આવેલા કોહિનૂર સ્ક્વેરના પબ્લિક પાર્કિંગ લોટમાં ઉદ્ઘાટન કર્યું હતું. એ વખતે તેમની સાથે શિવસેનાના નેતા સદા સરવણકર અને રાજ્યના ઍડિશનલ ચીફ સેક્રેટરી આશિષ સિંહ હાજર રહ્યા હતા. આ ચાર્જિંગ સ્ટેશન પર એક યુનિટ ચાર્જ કરવાના ૧૫ રૂપિયા લેવામાં આવશે અને એક વ્હીકલ ચાર્જ કરવા માટે વીસથી ત્રીસ યુનિટ ચાર્જિંગની જરૂર પડે છે. આ રીતે ૩૦૦થી ૪૫૦ રૂપિયામાં ચાર્જ કરેલું વ્હીકલ ૧૪૦થી ૧૭૦ કિલો મીટર ચાલી શકશે.
ગયા અઠવાડિયે રાજ્ય સરકારે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર પાર્કિંગ અને ઈ-ચાર્જિંગ સ્ટેશન્સ માટે જગ્યા ફાળવી હતી.
આશિષ સિંહે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે ગયા મહિને નવી ઇલેક્ટ્રિક વેહિકલ્સ પૉલિસી જાહેર કરી હતી, જે અંતર્ગત ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં રજિસ્ટર્ડ વેહિકલ્સમાં ૧૦ ટકા વેહિકલ્સ ઇલેક્ટ્રિક વેહિકલ્સ હોય એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈ, પુણે, નાગપુર, ઔરંગાબાદ અને નાશિકમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ૨૫ ટકા હિસ્સો ઇલેક્ટ્રિક વેહિકલ્સનો હોય એવી અમારી નેમ છે. એમાં એમએસઆરટીસીનાં ૧૫ ટકા વેહિકલ્સનો પણ સમાવેશ હશે. એટલું જ નહીં, અમે મહારાષ્ટ્રને બૅટરી-ડ્રિવન વેહિકલ્સના ઍન્યુઅલ પ્રોડક્શનમાં પણ નંબર વન બનાવવા માગીએ છીએ. એની સાથે જ રાજ્યમાં એક ગીગાવૉટ બૅટરીનું નિર્માણ કરવાનું પણ લક્ષ્ય છે.’
કેટલીક ઑટોમોબાઇલ કંપનીઓએ ઑલરેડી ઈ-વેહિકલ્સ બજારમાં મૂક્યાં છે અને ટૂંક સમયમાં વધુ ને વધુ મૉડલ્સ એમના દ્વારા લૉન્ચ કરવામાં આવશે. ઍટ લીસ્ટ પાંચ કાર ઈ-વેહિકલ્સમાં આવી રહી છે.