રે રોડમાં મુંબઈનો પહેલો કેબલ બ્રિજ બનીને તૈયાર

18 December, 2024 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૭૩ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ કેબલ બ્રિજ ૩૮૫ મીટર લાંબો છે

મુંબઈનો પહેલો કેબલ બ્રિજ

રે રોડમાં મુંબઈનો પહેલો કેબલનો રોડ ઓવર બ્રિજ હવે ઑલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે અને ૨૬ જાન્યુઆરીએ લોકો માટે ખુલ્લો મુકાય એવી શક્યતા છે. મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ડેલવપમેન્ટ કૉર્પોરેશન (MRIDC) દ્વારા બન્ને બાજુ મળીને ૬ લેન અને ફુટપાથ ધરાવતો આ બ્રિજ રેકૉર્ડ ટાઇમમાં એટલે કે બે વર્ષમાં તૈયાર થયો છે. બે વર્ષ પહેલાં ૨૦૨૨ના વૅલેન્ટાઇન્સ ડેએ એનું કામ શરૂ થયું હતું અને હવે ૨૬ જાન્યુઆરીએ એનું લોકાર્પણ થશે.

૨૭૩ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ કેબલ બ્રિજ ૩૮૫ મીટર લાંબો છે. પૂર્વથી પશ્ચિમને જોડતા આ કેબલ બ્રિજ નીચેથી હાર્બરલાઇન પસાર થાય છે એટલે એને એટલો ઊંચો રખાયો છે જેથી કોઈ સમસ્યા ન થાય. વળી એના પર LED લાઇટ પણ બેસાડવામાં આવશે જેથી રાતના સમયે એ એક જોવાલાયક નજરાણું​ બની રહેશે અને મોટરિસ્ટોને વધુ પ્રકાશ મળતાં ડ્રાઇવ કરવામાં આસાની રહેશે.

બ્રિજની સેફ્ટી માટે નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ થયો છે જે એના બાંધકામ સાથે વણી લેવાઈ છે જેથી બ્રિજની મજબૂતી અને અન્ય બાબતો વિશે જાણકારી મળી શકશે અને એને મેઇન્ટેન કરવો પણ સરળ રહેશે.  

reay road mumbai mumbai railway vikas corporation news mumbai news mumbai traffic