ચોમાસા પહેલાં મુંબઈનાં નાળાંઓનું ૮ ફુટ ઊંચી જાળીથી ફેન્સિંગ કરવામાં આવશે

13 April, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નદી-નાળામાં આડેધડ કચરો ફેંકતા લોકોને રોકવા BMCનો નિર્ણય

બીએમસી હેડક્વૉર્ટર

મુંબઈમાં ચોમાસા દરમ્યાન ભરાતા પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે BMCએ શહેરનાં નાળાંઓને ફેન્સિંગ (તારની જાળી)થી સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે. નાળાંઓમાં કચરો ફેંકવાને કારણે ગટર-વ્યવસ્થામાં સર્જાતા અવરોધોને રોકવા માટે આ મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે.

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે ‘નાળાંઓની આસપાસ અંદાજે આઠ ફુટ ઊંચી તારની જાળી લગાવવામાં આવશે. આ જાળી ઉપરના ભાગે એક ફુટ જેટલી વળેલી હશે જેથી લોકો નાળામાં કચરો ફેંકી ન શકે.’

મુંબઈમાં મોટા ભાગનાં નાળાંઓની આસપાસ ઝૂંપડપટ્ટી આવેલી છે અને ત્યાંના રહેવાસીઓ આડેધડ ફેંકી રહેલા કચરાને કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી પડે છે.

મુંબઈમાં અત્યારે ૨૭૪ કિલોમીટરનાં મુખ્ય નાળાંઓ અને ૬૭૩ કિલોમીટરનાં નાનાં નાળાંઓનું નેટવર્ક છે. પ્રશાસનનું માનવું છે કે માત્ર તારની જાળી લગાવવાની હોવાથી આ કામગીરી બે 
મહિનામાં એટલે કે ચોમાસું શરૂ થાય એ પહેલાં પૂર્ણ કરી શકાશે. આ ફેન્સિંગથી ગટર જામ થવાની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને પૂર જેવી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation monsoon news mumbai suburbs