આજે ઘરમાં જ રહેવામાં ભલાઈ

26 February, 2025 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તૂટી શકે છે ફેબ્રુઆરીની ગરમીનો ૫૯ વર્ષ જૂનો રેકૉર્ડઃ હીટવેવની જાહેરાત કર્યા મુજબ ગઈ કાલે શહેરમાં ૩૮.૭ ડિગ્રી તાપમાનની થઈ નોંધ : હવે આજે પારો ૩૯ ડિગ્રી કુદાવે એવી શક્યતા : વેધશાળાએ યલો વૉર્નિંગ જાહેર કરીને મુંબઈગરાઓને ઘરમાં રહેવાની સલાહ આપી

આજે ઘરમાં જ રહેવામાં ભલાઈ

હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં દિવસ દરમ્યાન સખત ગરમી અનુભવાઈ હતી. જોકે ૩૭ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહેવાની આગાહી વચ્ચે ગઈ કાલે પારો ૩૮.૭ ડિગ્રી જેટલો ઊંચો રહ્યો હતો. આગામી ૪૮ કલાકમાં પારો ૩૯ ડિગ્રી વટાવી શકે છે. ૧૯૬૬માં ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ ૩૯.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ૫૯ વર્ષ પહેલાંનો આ રેકૉર્ડ એકાદ-બે દિવસમાં તૂટવાની શક્યતા છે. વધુપડતી ગરમી પડવાની શક્યતા છે એટલે હવામાન વિભાગે યલો અલર્ટ જારી કરીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આગામી ચાર દિવસ સુધી આવી જ ગરમી રહેવાની શક્યતા છે. ગઈ કાલે બપોરના ભારે ગરમી અનુભવાઈ હતી. બપોરના સમયે હવા એટલી ગરમ હતી કે લોકલ ટ્રેનના પંખા પણ કામ નહોતા આવ્યા. પંખાઓમાંથી પણ ગરમ હવા ફૂંકાતાં લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. હવામાં ભેજનું પ્રમાણ પણ ૫૦ ટકા જેટલું જ રહ્યું હતું. આને લીધે પણ વધુ ગરમી અનુભવાઈ હતી.

મુંબઈમાં ગઈ કાલે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં રહે છે એના કરતાં ૫.૯ ડિગ્રી વધુ એટલે કે ૩૮.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે જ ગઈ કાલનો દિવસ આ સીઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.

હવામાન વિભાગનાં અધિકારી સુષ્મા નાયરના જણાવ્યા મુજબ સામાન્ય કરતાં વધારે તાપમાન નોંધાવાને લીધે મુંબઈ, થાણે, રાયગડ અને પાલઘર જિલ્લામાં હીટ વેવને લીધે યલો વૉર્નિંગ જારી કરવામાં આવી છે. આગામી ૪૮ કલાક ૩૭થી ૩૯ ડિગ્રી તાપમાન રહી શકે છે. લોકોને વધુ પ્રમાણમાં પાણી પીવાની સાથે વધુ સમય સુધી ગરમીમાં ન રહેવાની વિનંતી છે. યલો વૉર્નિંગ શનિવાર ૧ માર્ચ સુધી કાયમ રહેશે. 

mumbai news mumbai Weather Update mumbai weather heat wave