10 July, 2024 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બધી આગાહીઓ ખોટી પડી હતી અને મરીન ડ્રાઇવ પર લોકો દરિયાનો આનંદ માણતાં દેખાયા હતા (તસવીર: આશિષ રાજે)
રવિવાર રાતની જેમ સોમવારે રાતે પણ મેઘરાજા વરસી પડશે એવી આગાહીને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગઈ કાલે સ્કૂલ-કૉલેજોમાં રજા જાહેર કરી હતી, પણ ગાજ્યા મેઘ વરસ્યા નહીં.
BMC સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં લોકોને કામ વગર બહાર ન નીકળવાની ચેતવણી સુધરાઈએ આપી હતી, પણ ગઈ કાલે સવારે તો મોટા ભાગના વિસ્તારોમાં ઉઘાડ નીકળ્યો હતો. નવાઈની વાત તો એ છે કે BMCએ મુશળધાર વરસાદને પહોંચી વળવાની તૈયારીઓ કરી લીધી હતી, પણ ગઈ કાલે સવારે ૮થી સાંજે સાત વાગ્યા દરમ્યાન શહેરમાં ૩.૨૦ મિલીમીટર, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૩.૫૭ મિલીમીટર અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૩.૪૬ મિલીમીટર વરસાદ પડ્યો હતો. રવિવારે મધરાત બાદ ૬ કલાકમાં ૩૦૦ મિલીમીટરથી વધારે વરસાદ પડ્યો હોવાથી એવો જ વરસાદ ફરી પડે તો શહેર જળબંબાકાર ન થાય એની તૈયારી સુધરાઈએ કરી લીધી હતી, પણ માત્ર ૩ મિલીમીટર જ વરસાદ પડ્યો હતો.