27 July, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણે-પોખરણ રોડ નંબર ૧ પર ગઈ કાલે પોણાચાર વાગ્યે જંગલ ખાતાની ૨૦ ફુટ લાંબી દીવાલ ભારે વરસાદને લીધે ધરાશાયી થઈ હતી. સદ્નસીબે કોઈને ઈજા થઈ નહોતી.
મુંબઈમાં ગઈ કાલે સવારથી ચાલુ રહેલો વરસાદ આખો દિવસ છૂટાંછવાયાં અને ભારે ઝાપટાં સાથે ચાલુ રહ્યો હતો જેને કારણે જનજીવન પર એની અસર પડી હતી. આજે પણ આવો જ ધોધમાર વરસાદ પડવાની શક્યતા હોવાથી પાલઘરમાં રેડ અલર્ટ અને થાણે, મુંબઈ, રાયગડ, રત્નાગિરિ તથા સિંધુદુર્ગમાં હવામાન ખાતાએ ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. એ સાથે કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યા અનુસાર તેમને ગુરુવાર અને શુક્રવાર દરમ્યાન ૫૦૦૦ જેટલા કૉલ આવ્યા હતા જેમાં મોટા ભાગે પાણી ભરાવાના અને ટ્રાફિક જૅમના હતા, કોઈ મોટી દુર્ઘટના થઈ નહોતી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. અંધેરી સબવેમાં બે ફુટ જેટલાં પાણી ભરાવાને કારણે ગઈ કાલે સવારે ૮ વાગ્યે, ૧૦ વાગ્યે અને બપોરે બે વાગ્યે એમ ત્રણ વાર બંધ કરવો પડ્યો હતો અને એને લીધે ઈસ્ટ-વેસ્ટમાં જવા માટે ગોખલે બ્રિજ અને બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર (જોગેશ્વરી) પર ટ્રાફિક વાળવો પડ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એસ. વી. રોડ બન્ને પર ટ્રાફિક જૅમ થયો હતો.
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનને પણ અસર થઈ હતી. હાર્બર લાઇન અને સેન્ટ્રલ રેલવેમાં ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડી હતી જ્યારે વેસ્ટર્ન રેલવેમાં પાણી ભરાવાની સમસ્યા ન હોવાથી ટ્રેનો સમયસર દોડી હતી.
ગઈ કાલે દિવસ દરમ્યાન સાંતાક્રુઝમાં ૭૪.૨ મિલીમીટર અને કોલાબામાં ૧૧.૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.