Mumbai News: મીરા-ભાઈંદરમાં આજે સ્ટેમનો પાણીપુરવઠો ઠપ

11 April, 2026 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Mumbai News: ડોંગરીમાંથી ૪૦ લાખનાં ગેરકાયદે ગૅસ-સિલિન્ડર જપ્ત, ૮ વાહનો કબજે; આજથી કાંદિવલીમાં સોની પ્રીમિયર લીગની ઓગણીસમી સીઝન શરૂ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આવશ્યક મેઇન્ટેનન્સ અને સમારકામની કામગીરીને કારણે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)એ ૨૪ કલાક માટે પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે. શનિવારે સવારે ૯ વાગ્યાથી રવિવારે સવારે ૯ વાગ્યા સુધી સ્ટેમ ઑથોરિટી તરફથી મળતો પાણીપુરવઠો સંપૂર્ણપણે સ્થગિત રહેશે. જોકે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) તરફથી મળતું પાણી રાબેતા મુજબ ચાલુ રહેશે. શહેરની પાણીની જરૂરિયાતનો મોટો હિસ્સો સ્ટેમ ઑથોરિટી પર નિર્ભર હોવાથી આ ૨૪ કલાક દરમ્યાન મીરા રોડ અને ભાઈંદરના અનેક વિસ્તારોમાં પાણીનું દબાણ ઓછું રહેવાની અથવા પુરવઠો મોડો મળવાની પૂરેપૂરી શક્યતા છે.

ડોંગરીમાંથી ૪૦ લાખનાં ગેરકાયદે ગૅસ-સિલિન્ડર જપ્ત, ૮ વાહનો કબજે

મુંબઈના રૅશનિંગ વિભાગે ડોંગરી વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને ગેરકાયદે રાખેલાં અને ટ્રાન્સપોર્ટ કરવામાં આવતાં ૪૫૧ જેટલાં લિ​ક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડર જપ્ત કર્યાં છે. વાડીબંદર બ્રિજ પાસે હાથ ધરવામાં આવેલા આ ઑપરેશનમાં કુલ ૪૦.૬૧ લાખ રૂપિયાનો માલ જપ્ત કરીને ૮ વાહનોને પણ કબજે કરવામાં આવ્યાં છે.

આજથી કાંદિવલીમાં સોની પ્રીમિયર લીગની ઓગણીસમી સીઝન શરૂ

શ્રી પરજિયા સોની સુવર્ણકાર યુવક મંડળ, મુંબઈ દ્વારા આયોજિત જ્ઞાતિજનો માટેની ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ સોની પ્રીમિયર લીગની ઓગણીસમી સીઝનનો કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં આજથી‌ આરંભ થઈ રહ્યો છે. ૧૧, ૧૨, ૧૮ અને ૧૯ એપ્રિલ એમ ૪ દિવસની આ ટુર્નામેન્ટમાં PG ગોલ્ડ, ચામુંડા ઇલેવન, મહાકાલી ઇલેવન, ખોડિયાર ઇલેવન, મોમાઈ ઇલેવન, શ્રીજી ઇલેવન, સીતારામ ઇલેવન, HG કિંગ ઇલેવન, ઉબંટુ વૉરિયર્સ અને ઓમ ઇલેવન એમ કુલ ૧૦ ટીમ ભાગ લઈ રહી છે. દરેક મૅચ ૭-૭ ઓવરની હશે અને IPL સ્ટાઇલમાં દરેક ટીમ એકબીજા સામે લીગ મૅચ રમ્યા બાદ પ્લે-ઑફ રાઉન્ડ દ્વારા ફાઇનલિસ્ટ નક્કી થશે. ગઈ અઢારમી સીઝનમાં સ્ટાર ગોલ્ડ ટીમ ચૅમ્પિયન બની હતી.

mumbai mumbai news mira road bhayander mira bhayandar municipal corporation lpg crisis lpg cylinder