દહિસરનું ગણપત પાટીલ નગર બીજું ધારાવી ન બને એ માટે તંત્ર સુસજ્જ

23 April, 2020 10:34 AM IST  |  Mumbai | Mayur Parikh

દહિસરનું ગણપત પાટીલ નગર બીજું ધારાવી ન બને એ માટે તંત્ર સુસજ્જ

ગણપત પાટીલ નગરના રહેવાસીઓનું સ્ક્રીનિંગ કરતાં હેલ્થવર્કર કર્મચારીઓ.

ઉત્તર મુંબઈની ધારાવી તરીકે કુખ્યાત એવા ગણપત પાટીલ નગરમાં પ્રશાસન અત્યારે સર્વાધિક સક્રિય છે. ધારાવીની માફક અહીં કોરોના વાઇરસ પગપેસારો ન કરે એ માટે તકેદારીનાં તમામ પગલાં લેવાઈ રહ્યાં છે. આ આખી ઝૂંપડપટ્ટીમાં કુલ ૧૪ ગલીઓ છે. આ વિસ્તાર આખો ગીચ છે તેમ જ મહદંશે પરપ્રાંતિયો અહીં રહે છે. રિક્ષા ચલાવનારા, ટ્રાન્સપોર્ટમાં કામ કરનાર તેમજ દૈનિક રોજી-રોટી મેળવનારા લોકોની સંખ્યા અહીં ઘણી બધી છે. આ કારણથી અહીં કોરોના સંક્રમણનો ખતરો સૌથી વધુ છે. પ્રશાસને પોતાની પૂરી તાકાત અહીં વાપરી છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અહીં પ્રત્યેક ઘરમાં જઈ અને સ્ક્રીનિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કુલ મળીને બે ગલીઓમાં તપાસણીનું કામ પતી ગયું છે. ગુજરાતી ‘મિડ-ડે’ સાથે વાત કરતાં સંધ્યા નાંદેડકરે જણાવ્યું કે ‘છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી આ કવાયતમાં સૌથી સારા સમાચાર એ છે કે કોરોનાનો એક પેશન્ટ સાંપડ્યો નથી. જોકે આ આખી કવાયત પૂરી થતાં હજી ૨૦ દિવસ જેટલો સમય લાગી શકે એમ છે, કારણ કે ગણપત પાટીલ નગરની ૧૨ ગલીઓમાં આ કવાયત બાકી છે.’ 

મુંબઈ મહાનગરપાલિકા ઉપરાંત એમએચબી પોલીસ સ્ટેશન દ્વારા પણ કડક પગલાં લેવામાં આવ્યાં છે. લૉકડાઉન દરમિયાન કોઈ વ્યક્તિ પોતાના ઘરની બહાર ન નીકળે એ માટે મુંબઈ પોલીસ દ્વારા તકેદારીનાં પગલાં લેવાયાં છે. અહીં દિવસ દરમિયાન ડ્રોન કૅમેરાથી આખી ઝૂંપડપટ્ટી પર નજર રખાઈ રહી છે. આ ઉપરાંત સાંજના સમયે આખેઆખો લિન્ક રોડ એક તરફથી બંધ કરી નાખવામાં આવે છે જેથી સુરક્ષિત અંતર રાખીને લોકો ખરીદી કરી શકે. આ ઉપરાંત સ્થાનિક સ્તર પર સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ દહિસર વિસ્તારની ગણપત પાટીલ નગરની ઝૂંપડપટ્ટી પ્રશાસનનાં કડક પગલાં નીચે છે.

mumbai mumbai news dahisar coronavirus