વરસાદ હજી પીછો નહીં છોડે

08 October, 2022 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદથી બફારામાં રાહત અનુભવાઈ : આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાથી યલો અલર્ટ

મહાલક્ષ્મીમાં ભરવરસાદમાં ટેક્સી શોધતા લોકો (તસવીર : આશિષ રાજે)

ઑક્ટોબર મહિનામાં સખત તડકો પડતો હોવાથી મુંબઈગરાઓ પરસેવે રેબઝેબ થઈ જતા હોય છે, પણ આ વર્ષે વરસાદ થોડા-થોડા દિવસના અંતરે પડી રહ્યો છે એટલે મુંબઈગરાઓને આ મહિનામાં ગરમીથી રાહત મળશે એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી હવામાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા જેટલું રહે છે એટલે બફારો થઈ રહ્યો છે, પણ સખત તાપ નથી પડી રહ્યો. ગઈ કાલે મુંબઈમાં બપોર સુધીમાં કેટલાંક સ્થળે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો અને બીજા વિસ્તારોમાં પણ સારોએવો વરસાદ પડ્યો હતો. આવતા બે દિવસ પણ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કરી છે.

સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વરસાદની વિદાય થાય છે અને ઑક્ટોબર મહિનામાં સખત તડકો પડે છે. જોકે આ વર્ષે અમુક-અમુક દિવસના અંતરે વરસાદ ચાલુ જ રહ્યો છે એટલે ગરમીથી રાહત મળી રહી છે. આવું જ વાતાવરણ આગામી થોડા દિવસ કાયમ રહેશે. ચોમાસા જેવો વરસાદ નહીં હોય, પણ અમુક-અમુક સમયના અંતરે એ પડતો રહેશે જેને લીધે આકાશ વાદળછાયું હશે એટલે સૂરજ મહારાજનાં દર્શન ઓછા થશે. આથી વરસાદ નહીં હોય ત્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાથી વધુ રહેશે એટલે બફારો થશે, પણ સખત ગરમી નહીં અનુભવાય. 

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ હોવા છતાં પશ્ચિમ તેમ જ ઉત્તર-પશ્ચિમ ભાગમાં આ વર્ષે કમોસમી વરસાદની પૅટર્ન જોવા મળી છે, જેને લીધે ઑક્ટોબર મહિનો ચાલી રહ્યો હોવા છતાં તાપમાનમાં વધારો થતો નથી. સામાન્ય રીતે ઑક્ટોબર મહિનામાં મુંબઈમાં ૩૫ ડિગ્રી જેટલું તાપમાન રહે છે. એની સામે અત્યારે પાંચ ડિગ્રી ઓછું એટલે કે ૩૦ ડિગ્રી ગરમી નોંધાય છે. હવામાં ભેજનું પ્રમાણ ચોમાસાની વિદાય થયા બાદ પણ વધુ હોવાથી આગામી બે દિવસ વરસાદ કાયમ રહેશે. મુંબઈની સાથે થાણે, પાલઘર, નવી મુંબઈ વગેરે વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ૧૨ ઑક્ટોબર સુધી આવું જ વાતાવરણ રહેશે એટલે ૧૩ ઑક્ટોબર બાદ હવામાનમાં ફેરફાર થઈ શકે છે.

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલ સવારથી આકાશ કાળાં ડિબાંગ વાદળોથી છવાયેલું રહ્યું હતું અને બપોરના બારેક વાગ્યાથી હળવો વરસાદ શરૂ થયો હતો. તળ મુંબઈમાં અનેક સ્થળે બે કલાકની અંદર ૪૦ એમએમ જેટલો વરસાદ પડ્યો હતો. વિક્રોલીમાં તો બે ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ મુંબઈ અને વરલી, ઘાટકોપર વગેરે સ્થળોએ ૩૫ એમએમથી ૪૦ એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો.

અચાનક ઓછા સમયમાં વધુ વરસાદ નોંધાતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. અંધેરી સબવેમાં વરસાદનું પાણી ભરાઈ જતાં થોડા સમય સુધી વાહનવ્યવહાર માટે એ બંધ કરી દેવાયો હતો.

mumbai mumbai news mumbai monsoon mumbai rains