04 July, 2026 08:28 AM IST | Mumbai | Darshini Vashi
કાલબાદેવીમાં રહેતો અને કે. સી. કૉલેજમાં ભણતો ક્રિષ્ના ઠક્કર આવી સેવા એક વર્ષથી કરી રહ્યો છે
સેવા કરવા માટે કોઈ યોગ્ય સમય કે કોઈ યોગ્ય ઉંમર હોતી નથી એ આ કૉલેજિયન યુવકે સાબિત કરી બતાવ્યું છે. પોતાની દાદી માટે લીધેલી ઇલેક્ટ્રિક બાઇકને જોઈને ૧૮ વર્ષના ક્રિષ્ના ઠક્કરને મગજમાં એક વિચાર સ્ફુર્યો અને એને તરત અમલમાં મૂકી દીધો. એને લીધે આજ સુધીમાં અનેક સિનિયર સિટિઝનોને રાહત મળી છે.
કાલબાદેવીમાં રહેતો અને કે. સી. કૉલેજમાં ભણતો ક્રિષ્ના ઠક્કર કહે છે, ‘મારી પાસે જે ઈ-બાઇક છે એ સિનિયર સિટિઝનને ઉપયોગમાં આવે એવી છે. એક વર્ષ પહેલાં આ બાઇક અમે મારી દાદી માટે લીધી હતી. તેમને ચાલવાનો પ્રૉબ્લેમ છે એટલે આવી બાઇકમાં બેસવાનું સરળ પડતું હતું. જોકે આ બાઇકનો રોજ ઉપયોગ થતો નથી એટલે મેં વિચાર કર્યો કે હું ફ્રી ટાઇમમાં આ બાઇક લઈને અન્ય સિનિયર સિટિઝનોને મદદરૂપ થઈ શકું છું. આમ તો હું છેલ્લા એક વર્ષથી સિનિયર સિટિઝનોને મદદરૂપ થવાના પ્રયત્નો કરી રહ્યો છું. છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈમાં અતિશય વરસાદ પડી રહ્યો છે. ટ્રાફિક, ગિરદી, ઠેર-ઠેર પાણી ભરાઈ જવું જેવા કિસ્સા સામે આવ્યા ત્યારે મેં જોયું કે આવી પરિસ્થિતિમાં યંગ લોકોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું મુશ્કેલ પડી રહ્યું છે એવામાં સિનિયર સિટિઝનોની હાલત તો સાવ કફોડી જ બની જતી હશે. એને ધ્યાનમાં રાખીને હું ચર્ચગેટ, CSMT, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ સ્ટેશનોની બહાર જઈને ઊભો રહેતો હતો. ત્યાં વરસાદમાં ભીંજાતાં-ભીંજાતાં રિક્ષા, ટૅક્સી કે બસની રાહ જોતા સિનિયર સિટિઝનની પાસે જઈને તેમને મારી ઈ-બાઇકમાં બેસી જવાની ઑફર કરતો. અમુક લોકોને મારા પર વિશ્વાસ નહોતો આવતો, પણ અમુક લોકો મારા પર વિશ્વાસ મૂકીને મારી બાઇક પર બેસતા અને હું તેમને તેમના ઘર સુધી મૂકી આવતો. તેમને પણ આવી સેવાની નવાઈ લાગતી એટલે તેઓ પણ મને પ્રશ્નો પૂછતા. તેઓ જ્યારે મારી ભાવના વિશે જાણતા ત્યારે ખુશ થઈ જતા હતા. મુસાફરી દરમ્યાન અમે એકબીજા સાથે હસી-ખુશી વાતો કરીએ, ગમ્મત કરીએ અને ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ. તેમને તેમના ડેસ્ટિનેશન પર ઉતારતી વખતે તેમના મુખ પર જે રાહત અને ખુશી જોઉં છું એનાથી મને ઘણો આનંદ આવે છે. તેમના હૃદયથી મળેલા આશીર્વાદ જ મારું સાચું ભાડું છે. મારી આ ઈ-બાઇકની વાત કરું તો એની સ્પીડ મૅક્સિમમ ૩૦ કિલોમીટરની છે એટલે સિનિયર સિટિઝન માટે સેફ છે. બીજું, બેસવા માટે પણ કમ્ફર્ટેબલ છે. અત્યારે ચોમાસું હોવાથી મેં મારી આ બાઇકને ઉપરથી ઢાંકી દીધી છે જેથી અંદર બેસનારા ભીના થાય નહીં.’
છેલ્લા એક વર્ષથી હું આ ઈ-બાઇકનો ઉપયોગ સત્કાર્ય કરવા માટે કરી રહ્યો છું એમ જણાવીવે ક્રિષ્ના કહે છે, ‘હું કૉલેજમાં ભણું છું અને સાથે-સાથે ઇન્ફ્લુઅન્સર પણ છું એટલે મને પ્રૉપર સમય મળતો નથી. હું દર મહિને બેથી ૩ દિવસ મારી ઈ-બાઇક લઈને રસ્તા પર નીકળું છું અને જેમને જરૂર હોય તેમને એમાં બેસાડીને તેમના ઘર સુધી પહોંચાડું છું. ઘણી વખત અમુક લોકોનું ઘર ઘણું દૂર હોય એવું પણ બન્યું છે. તો ત્યાં પણ હું જાઉં છું. મોટા ભાગે સિનિયર સિટિઝનોમાં પુરુષો જ બાઇક પર બેસવા તૈયાર થતા હોય છે, મહિલાઓ બાઇક પર બેસવા માટે જલદી તૈયાર થતી નથી. હમણાં જ એક મહિલા બેસવા માટે તૈયાર થઈ હતી. તેમને મેં પૂછ્યું કે તમે કેવી રીતે તૈયાર થઈ ગયાં? તો તેમણે કહ્યું કે જેના નામમાં જ ક્રિષ્ના હોય તેના પર વિશ્વાસ હું કેમ ન મૂકી શકું. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. આટલા વખતમાં મેં ક્યારેય મારી આ સેવાની કોઈ પબ્લિસિટી કરી નહોતી, પરંતુ બે દિવસ પહેલાં એમ જ એક રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી અને જોતજોતાંમાં એ વાઇરલ થઈ હતી. હું ઇચ્છું છું કે મારી જેમ અન્ય લોકો પણ પોતાની પાસે રહેલાં વાહનોનો ઉપયોગ કરે તો ક્યારેય કોઈ ઉંમરલાયક વ્યક્તિએ હેરાનગતિનો સામનો કરવાનો વારો આવે નહીં.’