03 July, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાવધાન, અહીં મૅનહોલ છે: દાદરમાં પાણી ભરાયેલા રસ્તા પર આવેલા મૅનહોલ પર ઊભેલો BMCનો એક કર્મચારી.
ચોમાસામાં આ વર્ષે સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો એ હવે ૪ દિવસમાં પડેલા વરસાદને કારણે સરભર થઈ ગયો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ૪ દિવસથી પડતા વરસાદને પગલે કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળા અનુસાર ગયા વર્ષે જુલાઈમાં સીઝનના પડેલા સરેરાશ વરસાદ કરતાં આ વર્ષે જુલાઈ મહિનામાં વધુ વરસાદ નોંધાયો છે. બુધવારે સવારે ૮ વાગ્યાથી ગુરુવારે સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં શહેરમાં ૨૦૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાએ મુંબઈમાં પાંચમી તારીખ સુધી ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. અત્યાર સુધીમાં મુંબઈમાં ચોમાસામાં કુલ ૬૬૮.૯ મિલીમીટર વરસાદ પડ્યો છે, જે ગયા વર્ષે બીજી જુલાઈએ ૬૦૫.૨ મિલીમીટર હતો. જોકે આગામી બે અઠવાડિયાંમાં અને ખાસ કરીને ૯ દિવસમાં મુંબઈમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે એવી આગાહી છે.
ગઈ કાલે લોકોએ ગેટવે ઑફ ઇન્ડિયા નજીક દરિયાનાં મોજાંની મજા માણી હતી, પણ મરીન ડ્રાઇવ પર પોલીસે લોકોને દરિયા પાસે જતાં રોક્યા હતા. તસવીર : સૈયદ સમીર અબેદી
આખા MMRમાં ગુરુવારે પણ સારો વરસાદ રહ્યો હતો, પરંતુ વિરાર અને દાદરમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું હતું. એને કારણે હિન્દમાતા અને પરેલમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. પાલઘર જિલ્લામાં પણ મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ રહ્યો હતો અને એમાં પણ વિરારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. નવી મુંબઈમાં પણ દિવસ દરમ્યાન વરસાદ યથાવત્ રહ્યો હતો. ચર્ચગેટ અને મરોલ જેવા વિવિધ વિસ્તારોમાં ઝાડ તૂટી પડવાની ઘટનાઓ પણ ચાલુ જ રહી હતી. સૌથી વધુ વરસાદ પશ્ચિમનાં ઉપનગરોમાં ૩૨ મિલીમીટર પડ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.
પાલઘરમાં બે જણ તણાયા
વરસાદને કારણે પાલઘરમાં બે જુદી-જુદી ઘટનામાં નદીમાં માછલી પકડવા ગયેલા બે જણ તણાઈ ગયા હતા. તંત્ર દ્વારા ચેતવણી આપવા છતાં વરસાદના સમયે નદી નજીક ગયેલા બન્નેમાંથી એક જણ ડૂબી ગયો હતો, જ્યારે બીજાનો પત્તો લાગ્યો ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
પાણીમાં ગરકાવ રસ્તા પર વરસાદથી બચવા પ્લાસ્ટિક વડે પોતાને ઢાંકીને ઊભેલો એક માણસ.
આવતાં બે અઠવાડિયાં આ વર્ષના ચોમાસાનો બેસ્ટ વરસાદ પડશે
આગામી બે અઠવાડિયામાં અને ખાસ કરીને આગામી ૯ દિવસમાં આ વર્ષના ચોમાસાનો સૌથી વધુ વરસાદ પડશે એવી આગાહી છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ એમ આખા MMRમાં વરસાદનું જોર ખૂબ જ રહેશે એવી આગાહી છે.
પાણી ભરાયેલા રસ્તા પર છત્રી લઈને કતારબદ્ધ ચાલતા લોકો.
કરન્ટને કારણે હૉસ્પિટલમાં દાખલ બન્ને વિદ્યાર્થિનીઓની હાલતમાં સુધારો
નેરુળમાં પાણી ભરેલા રસ્તામાં શૉક લાગતાં હૉસ્પિટલમાં દાખલ કરાયેલી કૉલેજની બન્ને વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)નાં મેયર સુજાતા પાટીલે હૉસ્પિટલમાં જઈને બન્નેની મુલાકાત લીધી હતી તથા ઘટના બદલ દોષીઓ સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
જળાશયોમાં સ્ટૉક વધ્યો
કૅચમેન્ટ વિસ્તારોમાં પણ વરસાદને કારણે મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં સાતેય જળાશયોના સરેરાશ પાણીપુરવઠામાં વધારો નોંધાયો હતો. બુધવાર સુધી સાતેય જળાશયોમાં સરેરાશ ૭.૮૩ ટકા પાણીપુરવઠો હતો જે હવે વધીને ૮.૧૨ ટકા થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ તુલસી જળાશયમાં ૨૦૭ મિલીમીટર પડ્યો હતો.