28 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિન્દમાતા, દાદરની આશિષ રાજેએ લીધેલી તસવીર
૭૫ વર્ષે મુંબઈમાં ચોમાસું આટલું વહેલું બેઠું : ૧૧.૨૪ વાગ્યાની ૪.૭૫ મીટરની હાઈ ટાઇડે દક્ષિણ મુંબઈને કર્યું જળબંબાકાર
ત્રણથી ૪ દિવસમાં પહોંચવાનો હતો એને બદલે ૨૪ કલાકની અંદર જ પહોંચી ગયો : મે મહિનામાં વરસાદનો ૧૦૭ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો
રવિવારે કેરલાથી મહારાષ્ટ્રના દેવગડમાં વરસાદનું આગમન થયા બાદ હવામાન વિભાગે ત્રણથી ૪ દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની આગાહી કરી હતી. જોકે વરસાદ ગઈ કાલે ૨૪ કલાકની અંદર દેવગડથી મુંબઈમાં પહોંચી ગયો હતો. સામાન્ય રીતે ૧ જૂને ચોમાસું કેરલામાં પ્રવેશ્યા બાદ મુંબઈમાં ૭થી ૧૦ જૂનની આસપાસ વરસાદ પહોંચે છે. આની સામે આ વર્ષે તો મે મહિનામાં જ અત્યાર સુધી સારોએવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આથી મુંબઈમાં મે મહિનાનો ૧૦૭ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વાલકેશ્વરના માતા પાર્વતી નગરમાં દુકાનો અને ઘરમાં પાણી ઘૂસી ગયાં.
આ મહિનામાં મુંબઈમાં સોમવાર સુધીમાં કોલાબામાં ૧૫૯.૨ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૧૬૪.૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. રવિવારે મોડી રાતથી ગઈ કાલે સાંજ સુધીમાં કોલાબામાં ૭૪.૩ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૧૪૪.૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આથી કોલાબા અને સાંતાક્રુઝમાં ગઈ કાલ સાંજ સુધીમાં અનુક્રમે ૨૩૩.૫ મિ.મી. અને ૩૦૮.૬ મિ.મી. વરસાદ પડી ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો મે મહિનો પૂરો થવામાં હજી પાંચ દિવસ બાકી છે ત્યારે સરેરાશ ૧૧ ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે.
વાહનો ડૂબ્યાં
૪.૭૫ મીટરની હાઈ ટાઇડે દક્ષિણ મુંબઈને કર્યું જળબંબાકાર
મુંબઈના સમુદ્રમાં ગઈ કાલે સવારના ૧૧.૨૪ વાગ્યે મોટી ભરતી એટલે કે હાઈ ટાઇડ હતી, જેમાં દરિયાનાં મોજાં ૧૫.૬૪ ફુટ જેટલાં ઊછળ્યાં હતાં. હાઈ ટાઇડ હોવાને કારણે રવિવારે મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદનું પાણી સમુદ્રમાં જઈ નહોતું શક્યું એટલે દક્ષિણ મુંબઈના જ્યાં જવલ્લે જ પાણી ભરાય છે એવા ફ્લોરા ફાઉન્ટન, ઓવલ મેદાન, મંત્રાલય, ચર્ચગેટ સ્ટેશન અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પરિસરમાં ગઈ કાલે સવારના પાણી ભરાઈ ગયાં હતાં. ભારે વરસાદને લીધે હિન્દમાતા, કિંગ્સ સર્કલ, દાદર ટીટી, પરેલ ટીટી, કાલાચૌકી અને જે. જે. માર્ગ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાવાને લીધે વાહનવ્યવહારને અસર થઈ હતી.
ટ્રેનો બંધ
ટ્રૅફિક જૅમ. તસવીર : આશિષ રાજે
૭૫ વર્ષે મુંબઈમાં સૌથી વહેલું ચોમાસું બેઠું
મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત ૧૧ જૂનની આસપાસ થાય છે. હવામાન વિભાગનાં અધિકારી સુષમા નાયરના જણાવ્યા મુજબ મુંબઈમાં ૧૯૫૬માં ૨૯ મેએ સૌથી વહેલું મૉન્સૂન આવી પહોંચ્યું હતું. ૧૯૬૨ અને ૧૯૭૧માં પણ ૨૯ મેએ ચોમાસું મુંબઈમાં દાખલ થયું હતું. આ વર્ષે પહેલી વખત ૨૬ મેએ મૉન્સૂનની શરૂઆત થઈ છે. ૭૫ વર્ષના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે.