બીએમસીએ બાંધી પાણી પહેલાં પાળ

07 March, 2024 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે મૉન્સૂનમાં મુંબઈમાં પાણી ભરાય તો પણ લોકોને હેરાનગતિ ન થાય એ માટે સુધરાઈ ૪૮૧ પમ્પ બેસાડશે

ફાઇલ તસવીર

દર વર્ષે મૉન્સૂનમાં મુંબઈના નીચાણવાળા ‌વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી મુંબઈગરાએ ભારે હેરાન થવું પડે છે. જોકે આ વર્ષે બીએમસીએ એની પૂર્વતૈયારીઓ કરી લીધી છે. ન‌ીચાણવાળા વિસ્તારોમાં પાણી તો ભરાશે જ, પણ એનો તરત નિકાલ થાય એ માટે ત્યાં ૪૮૧ પમ્પ બેસાડવાનું નક્કી કર્યું છે. આ પમ્પ વધારે સક્ષમ હશે અને કટોકટીમાં પણ વાપરી શકાશે એમ બીએમસીએ જણાવ્યું છે.

બીએમસીએ કહ્યું હતું કે ‘મુંબઈમાં એની ભૌગો​લિક રચનાને કારણે પાણી તો ભરાશે જ, પણ એ પાણીનો જો વહેલી તકે નિકાલ કરાય તો લોકોને ઓછી હેરાનગ​તિ થાય. એથી ‌નીચાણવાળા ભાગોમાં પમ્પ બેસાડવાનું નક્કી થયું છે. એ પમ્પ પાસે એક ઑપરેટર અને એક હેલ્પર તહેનાત કરાશે અને વૉર્ડ-લેવલ પર વૉર્ડ-ઑફ‌િસર નજર રાખશે.’

જો મુંબઈમાં એક જ‌ દિવસમાં પંચાવન એમએમ વરસાદ પડે અને એ વખતે ભરતી હોય તો મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે અને જળબંબાકારની પરિ‌સ્થિતિ સર્જાય છે. બીએમસી આ વર્ષે સિટીમાં ૧૮૭, વેસ્ટર્ન સબર્બ્સમાં ૧૬૬ અને ઈસ્ટર્ન સબર્બ્સમાં ૧૨૪ પમ્પ બેસાડવાનું વિચારી રહી છે.

બીએમસીએ ૨૦૨૨માં પહેલાં ૩૮૦ પમ્પ બેસાડ્યા હતા અને પાછળથી એમાં પંચાવન પમ્પનો વધારો કર્યો હતો. ૨૦૨૩માં પણ પહેલાં ૩૮૦ પમ્પ બેસાડીને ત્યાર બાદ એમાં ૧૧૨નો વધારો કર્યો હતો. જોકે આ વર્ષે પહેલેથી જ ૪૮૧ પમ્પ બેસાડવાનો ‌નિર્ણય લેવાયો છે. 

brihanmumbai municipal corporation mumbai rains mumbai monsoon mumbai mumbai news