સબર્બ્સમાં તો પાણી જ પાણી, પણ સિટીમાં રહી ગઈ ખાઘ

01 July, 2023 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર છ દિવસના વરસાદે સબર્બ્સમાં જૂનનો ક્વોટા પૂરો કરી દીધો, પણ શહેરમાં નૉર્મલ કરતાં ૨૨ ટકા ઓછા મેઘરાજ વરસ્યા

તસવીર : સૈય્યદ સમીર અબેદી

મુંબઈમાં ૨૦ જૂન બાદ પણ ચોમાસું ન બેસતાં અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા મુંબઈગરા એ સમયે કાગડોળે વરસાદની રાહ જોતા હતા અને તેમને ચિંતા સતાવી રહી હતી કે જો વરસાદ નહીં પડે તો શું થશે? જોકે ગયા શનિવારે પ્રી-મૉન્સૂન વરસાદની શરૂઆત થઈ હતી અને શહેર જળબંબાકાર થઈ ગયું હતું. ત્યાર બાદ રવિવારે સત્તાવાર રીતે મુંબઈમાં ચોમાસું બેઠું હતું. એના છ દિવસમાં એણે સબર્બ્સમાં આખા મહિનાનો ક્વોટા પૂરો કરી દીધો હતો અને છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા મેઘરાજાને લીધે જળાશયોમાં પણ પાણીની સારી આવક થઈ છે.  

મુંબઈ વેધશાળાનાં ઍડ્મિનિસ્ટ્રેટર ડૉ. સુષમા નાયરે કહ્યું હતું કે ‘બિપરજૉય વાવાઝોડાને કારણે આ વર્ષે મુંબઈમાં વરસાદનું આગમન મોડું થયું છે. આજ સુધીના વરસાદની ઍવરેજમાં સાંતાક્રુઝમાં જૂન મહિનાના નૉર્મલ વરસાદ ૫૩૭.૧ મિ.મી. હોય છે, જેની સામે ૨૪ જૂનથી આજ સુધીમાં ૫૪૯.૭ મિ.મી. વરસાદ આવતાં સાંતાક્રુઝમાં દર વખતના જૂન મહિનાના વરસાદની સરખામણીમાં બે ટકા વરસાદ વધારે નોંધાયો છે. કોલાબામાં નૉર્મલ સીઝનમાં જૂન મહિનામાં ૫૪૨.૩ મિ.મી. વરસાદ નોંધાય છે, જેની સામે આ સીઝનની શરૂઆતમાં ૪૨૪.૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. અત્યારના આંકડા પ્રમાણે કોલાબામાં આ જૂન મહિનામાં ૨૧.૭ ટકા વરસાદ ઓછો નોંધાયો છે.

સામાન્ય રીતે મુંબઈમાં નૈર્ઋત્યનું ચોમાસું ૧૧ જૂને બેસી જાય છે, જે આ વર્ષે ૨૫ જૂને શરૂ થયું હતું. બિપરજૉય વાવાઝોડાને કારણે મુંબઈમાં આ વર્ષે ચોમાસાનું આગમન મોડેથી થયું હતું. વેધશાળાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે હજી બે-ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે. ત્યાર બાદ એની તીવ્રતા ઓછી થશે.

ડૉ. સુષમા નાયરે વધુમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍક્ટિવ મૉન્સૂનની સ્થિતિને કારણે આગામી બેથી ત્રણ દિવસ કોંકણના ભાગોમાં અને મધ્ય મહારાષ્ટ્રના આસપાસના ઘાટ વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના છે. હવામાનની અત્યારની પરિસ્થિતિને કારણે માછીમારોને પણ ૨૯ જૂનથી ૩ જુલાઈ સુધી ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે મુસાફરી ન કરવાનું કહેવામાં આવ્યું છે. આનાથી ગયા અઠવાડિયાની ખાધમાં ઘટાડો થઈ શકે છે.’ 

mumbai monsoon mumbai rains mumbai weather south mumbai mumbai mumbai news