મૅથેમૅટિક્સ ક્વીન નિવા ગડા

22 September, 2020 07:42 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મૅથેમૅટિક્સ ક્વીન નિવા ગડા

નિવા ગડા

મુલુંડ-વે‍સ્‍ટમાં રહેતી ૭ વર્ષની નિવા સેજલ વિશાલ ગડાએ હકીમો હૉન્ગકૉન્ગ ઇન્‍ટરનૅશનલ મૅથેમૅટિક્સ ઑલિમ્પિયામાં રવિવારે ગોલ્ડ મેડલ મેળવ્‍યો હતો. એ સિવાય નિવાને ચેસમાં રસ છે અને તે સાડાચાર વર્ષની હતી ત્‍યારથી ૭ પ્રકારનાં રુબિક્સ પણ બહુ ઓછા સમયમાં સૉલ્વ કરે છે. નિવાની યુટ્યુબ-ચૅનલ પણ છે જેના હજારો ફૉલોઅર્સ છે. નિવા ઐરોલીની યુરો સ્‍કૂલમાં અભ્‍યાસ કરે છે. નિવા પરીક્ષાની તૈયારીરૂપે ૩ મહિનાથી દરરોજ પાંચથી છ કલાક પ્રૅક્ટિસ કરતી હતી. શાર્પ મેમરી ધરાવતી નિવાને ગોલ્‍ડ મેડલ મળતાં તેના પરિવારજનોની આંખમાં હર્ષનાં આંસુ છલકાયાં હતાં.

નિવા અમારા ઘરનું હ્યુમન કમ્‍પ્યુટર છે એમ કહેતાં નિવાના પપ્પા વિશાલ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે નિવા બહુ ઓછા સમયમાં ફટાફટ ગણતરી કરી શકે છે. નિવાએ આપેલી હકીમો હૉન્ગકૉન્ગ ઇન્‍ટરનૅશનલ મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ પરીક્ષા કોવિડને કારણે ઘરે જ ઑનલાઇન આપી હતી. ૧૪ કન્ટ્રીના ૨૦૦૦ જેટલા સ્‍ટુડન્‍ટ્સે આમાં ભાગ લીધો હતો. સેમી ફાઇનલ પરીક્ષા ૬ જૂને લેવાઈ હતી જેમાં તે સિલેક્ટ થઈ હતી અને ફાઇનલ પરીક્ષા ૩૦ ઑગસ્ટે હતી જેનું પરિણામ રવિવારે જાહેર થયું હતું. આ પરીક્ષામાં ૩૦ પ્રશ્નો હોય છે જેમાં બે કલાકનો સમય આપવામાં આવે છે. એમાં ત્રણથી પાંચ એરિયા કવર કરી લેવાય છે, જેમ કે એલ્જિબ્રા, જ્યૉમેટ્રી વગેરેનો સમાવેશ છે. આ ઉપરાંત હવે નિવા શનિવારે થાઇલૅન્‍ડ ઇન્‍ટરનૅશનલ મૅથ્‍સ ઑલિમ્પિયાડ પરીક્ષા આપશે અને એ પછી ૪ ઑક્ટોબરે સાઉથ ઈસ્ટ એશિયા મૅથ્‍સ ઑલિમ્પિયાડ પરીક્ષા આપશે. હૉન્ગકૉન્ગમાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હોવાને કારણે બે વર્ષ પછી જર્મનીમાં જુનિયર મૅથ્‍સ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં એન્ટ્રી મળી ગઈ છે અને એ માટે નિવા તૈયારી કરી રહી છે.

‘મિડ-ડે’ને વધુમાં કહ્યું કે ‘નિવાની મેમરી વધુ શાર્પ થાય એ માટે અમે નિવાને રુબિક્સના ક્લાસ પણ કરાવ્‍યા હતા અને એ પછી ચેસ પણ શીખવ્‍યું હતું. નિવા ડિસ્ટ્રિક્ટ લેવલે ચેસ રમી અને જીતી પણ હતી. નિવાનું સપનું પ્રાઇમ મિનિસ્ટર બનવાનું છે. અમને અમારી દીકરી પર ગર્વ છે.’

નિવા જ્યારે અઢી વર્ષની હતી ત્યારથી કારની ફક્ત ટેઇલ લાઇટ જોઈને ૮૮ કારનાં મૉડલ્સ તેણે કહી બતાવ્યાં હતાં ત્યારે અમને ખબર પડી હતી કે નિવાની મેમરી એકદમ શાર્પ છે - વિશાલ ગડા, નિવાના પપ્પા

mumbai mumbai news mulund urvi shah-mestry