02 May, 2024 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સૈયદ સમીર અબેદી
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પ્લૅટફૉર્મ નંબર બે પર રવિવારે હાર્બર લાઇનમાં ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો, બરાબર એ જ જગ્યાએ ગઈ કાલે સાંજે ૪.૨૩ વાગ્યે ફરી પાછો એક ડબ્બો ડીરેલ થયો હતો. એને કારણે એની પાછળની ટ્રેનો અટકી ગઈ હતી. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નિલાએ કહ્યું હતું કે મોટરમૅનનો ડબ્બો ખડી પડ્યો હતો એ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
એક ટ્રેન અટક્યા બાદ એની પાછળ બીજી ટ્રેનો અટકી ગઈ હતી. લાંબો સમય ટ્રેન અટકી જતાં પ્રવાસીઓ પાટા પર ઊતરીને CSMT પહોંચ્યા હતા. ખડી પડેલો ડબ્બો ફરી ટ્રૅક પર ગોઠવવા માટે મેઇન્ટેનન્સના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામ કર્યું હતું. જોકે પ્રવાસીઓએ વધુ હેરાન ન થવું પડે એ માટે CSMTના પ્લૅટફૉર્મ નંબર એક અને સેન્ટ્રલ લાઇન માટે વપરાતા પ્લૅટફૉર્મ નંબર ૩ પરથી હાર્બર લાઇનની પનવેલ માટેની ટ્રેનો છોડવામાં આવી હતી.