ગર્મી મેં ઠંડક કા એહસાસ

01 May, 2023 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા હોવાથી તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે. પરિણામે મુંબઈગરાઓને ગરમીથી થોડી રાહત મળશે

ગઈ કાલે સવારે સાયન સહિત મુંબઈમાં ઠેકઠેકાણે વરસાદનાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં (તસવીર : અતુલ કાંબળે)

ભરઉનાળામાં ગઈ કાલે મુંબઈ અને આસપાસ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે તાપમાનમાં ઘટાડો થવાથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. આગામી પાંચ દિવસ પણ આવી જ રીતે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે ગઈ કાલે વ્યક્ત કરી હતી. મુંબઈની આસપાસની સાથે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં પણ જોરદાર હવા સાથે વરસાદની શક્યતા છે.

મુંબઈ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે હળવો વરસાદ પડ્યો હતો. અચાનક વરસાદ થવાથી વાતાવરણમાં થોડી ઠંડક અનુભવાઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં આવેલા ફેરફારને લીધે આવી જ રીતે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ક્યાંક-ક્યાંક કરા પણ પડી રહ્યા છે.
હવામાન વિભાગની માહિતી મુજબ પશ્ચિમ ભારતના ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સાથે મધ્ય પ્રદેશના કેટલાક ભાગમાં હવામાનમાં પલટો આવવાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આગામી પાંચ દિવસ પણ આવી જ રીતે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. આથી વિદર્ભ, ચંદ્રપુર, મરાઠવાડા જિલ્લાઓમાં ઑરેન્જ અલર્ટ જારી કરવામાં આવી છે. મરાઠવાડાના પરભણી, નાંદેડ અને લાતુરમાં વરસાદની સાથે કરા પડવાની શક્યતા પણ છે.

મુંબઈ, થાણે અને આસપાસમાં ગઈ કાલે કેટલાંક સ્થળે વરસાદ પડ્યો હતો. આવી જ રીતે આગામી પાંચ દિવસ પણ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. મુંબઈમાં ગઈ કાલે કોલાબા અને સાંતાક્રુઝમાં ૩૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા છે એટલે ૨૪ અને ૪૮ કલાક દરમ્યાન તાપમાન ૩૨ ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આથી મુંબઈગરાઓને ગરમીથી થોડી રાહત મળશે.

mumbai mumbai news mumbai rains mumbai monsoon Weather Update mumbai weather