જુગ જુગ જીઓ દામજીભાઈ...

14 April, 2020 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુગ જુગ જીઓ દામજીભાઈ...

દામજીભાઈ

કચ્છી સમાજના ગૌરવ અને સમાજમાં મોટું યોગદાન આપનારા કેશવજી ઉમરશી છાડવાના દેહાંતના સમાચારમાં સરતચૂકથી દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને કચ્છી સમાજના શિરોમણિ સમાન દામજીભાઈ ઍન્કરવાલાનું નામ પ્રસિદ્ધ થતાં સમાજમાં જબરદસ્ત ઊહાપોહ મચી ગયો હતો. આ સરતચૂક નાની નથી, એની ગંભીરતા અમે પૂરેપૂરી અનુભવીએ છીએ તેમ જ મિડ-ડે એને માટે હૃદયપૂર્વક માફી માગે છે. એ ભૂલ સ્વીકારવાની સાથોસાથ મિડ-ડે અંતઃકરણપૂર્વક પ્રાર્થના પણ કરે છે કે દામજીભાઈ જેવા વિરલ વ્યક્તિત્વની ઉંમર ઈશ્વર અખૂટ વધારે. સ્થાનકવાસી જૈન સમુદાયના અગ્રણી એવા દામજીભાઈએ કચ્છી સમાજ માટે તો અનેકાનેક કામ કર્યાં જ છે તો સાથોસાથ મુંબઈ અને દેશ માટે પણ તેઓ સેંકડો લોકોની પ્રેરણારૂપ બન્યા છે.

૧૯૩૯માં કચ્છના કુંદરોડી ગામમાં જન્મેલા દામજીભાઈ નાનપણમાં જ પિતા લાલજીભાઈ સાથે મુંબઈ આવી ગયા હતા. તેમનું એજ્યુકેશન કચ્છી વીસા ઓસવાળ સ્કૂલમાં પૂરું થયું હતું. દામજીભાઈની ઇચ્છા ડૉક્ટર બનવાની હતી એટલે તેમણે સાયન્સ લીધું અને ખાલસા કૉલેજમાં ઍડ્મિશન લીધું. વેપારી પિતાના સંતાન એવા દામજીભાઈએ એ સમયે દૂર-દૂર સુધી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ બનવાનું વિચાર્યું પણ નહોતું, પરંતુ ઈશ્વરની ઇચ્છા જુદી હતી. ડૉક્ટર બનીને જે વ્યક્તિ સેવા કરવા માગતી હતી, પણ ઈશ્વર તેમના હાથે હજારો-લાખો લોકો સુધી રોજગાર પહોંચાડવાનું પ્લાનિંગ કરી ચૂકી હતી. ઇન્ટર સાયન્સમાં અભ્યાસ કરતી વખતે દામજીભાઈની તબિયત નાદુરસ્ત થતાં તેમને હૈદરાબાદના નેચરોપથી સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ દોઢેક મહિનો રહ્યા હતા. આ દોઢ મહિના દરમ્યાન ભણતર પાછળ છૂટી ગયું અને દામજીભાઈના મનમાં બિઝનેસના વિચારો રોપાઈ ગયા જે છેક પ્રોડક્શન સુધી પહોંચ્યા અને દેશમાં એક નવો ઇતિહાસ રચવાનું પ્રયાણ કરી ગયા.

દામજીભાઈએ સ્થાપેલી ઍન્કર ઇલેક્ટ્રિક્લ્સ માટે જ્યારે ફૉરેન જાયન્ટ્સની સામેથી ઑફર આવવાની શરૂ થઈ ત્યારે માત્ર દેશ જ નહીં, દુનિયાભરની નજરમાં ઍન્કર સ્વિચ આવી ગઈ. ફ્રાન્સની સિન્ડરથી માંડીને વિપ્રો, સિમેન્સ અને પૅનસૉનિક ઍન્કર ખરીદવા માટે લાઇન લગાવીને ઊભી હતી અને દામજીભાઈએ સેકન્ડ જનરેશન એવાં તેમનાં સંતાનોને આગેવાની સોંપી દીધી. દામજીભાઈના દીકરા અતુલની આગેવાનીમાં પૅનસૉનિકે ઍન્કર ૨પ૦૦ કરોડ રૂપિયામાં ખરીદી અને દેશભરમાં ઊહાપોહ મચી ગયો. ઇન્ડિયન બ્રૅન્ડની વિશ્વસનીયતાને ચાર ચાંદ લાગે એવી વાત એ પણ હતી કે પૅનસૉનિકે ઍન્કર ખરીદ્યા પછી એનું બ્રૅન્ડ નૅમ ચાલુ રાખ્યું. ઑન્ટ્રપ્રનર શબ્દ હજી કોઈએ સાંભળ્યો નહોતો ત્યારે એક સામાન્ય વેપારીના દીકરા દામજીભાઈએ વિશ્વના જાયન્ટ્સની આંખોમાં સૂર્યપ્રકાશ આંજી દે એવી સફળતા મેળવીને માત્ર કચ્છનું જ નહીં, દેશનું નામ વિશ્વના નકશા પર મૂકી દીધું. જેમનું નામ માત્ર સફળતાની પરિભાષા સમાન છે એવા દામજીભાઈ ઍન્કરવાલા જુગ જુગ જીવો. આપની હાજરી માત્ર અમારે માટે પ્રેરણાથી સવિશેષ છે.

mumbai mumbai news