20 August, 2026 01:10 PM IST | Mumbai | Madhulika Ram Kavattur
આયકર ભવનના અસરગ્રસ્ત બેઝમેન્ટનું ક્ષેત્રફળ 12,000 ચોરસફુટ
સોમવારે આયકર ભવનમાં લાગેલી આગને કારણે શહેરના બિલ્ડિંગોના બેઝમેન્ટમાં આગ સાથે જોડાયેલાં અગ્નિ-સુરક્ષાનાં જોખમો ફરી તપાસના દાયરામાં આવી ગયાં છે. ઇન્ક્મ ટૅક્સ ઑફિસની આગની આ ઘટનાએ મોટાં બિલ્ડિંગોના બેઝમેન્ટમાં સંગ્રહ કરવામાં આવતી જ્વલનશીલ સામગ્રીને લઈને ઊભાં થતાં આગ લાગવાનાં જોખમો તરફ લોકોને ચિંતિત કર્યા છે.
મુંબઈ ફાયરબ્રિગેડને સોમવારે બપોરે ૨.૦૧ વાગ્યે આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી એટલે હરકતમાં આવીને આગ પર કાબૂ મેળવવાની અને બિલ્ડિંગની અંદર રહેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી એકસાથે કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં સફળતાપૂર્વક આ કામગીરી પૂરી થઈ હતી. આશરે ૧૫૦૦ જેટલા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવાની સાથે મુખ્ય પડકાર બિલ્ડિંગની અંદરના ગાઢ ધુમાડાને કારણે થતી ગૂંગળામણ સામે રક્ષણનો પણ હતો. બિલ્ડિંગના બેઝમેન્ટ જેવી બંધ જગ્યાઓમાં આગને કારણે થતો ધુમાડો ઝડપથી ફેલાઈ જાય છે અને ઉપરના માળ સુધી પહોંચી જાય છે.
ઇન્કમ ટૅક્સ બિલ્ડિંગમાં આગ આશરે ૧૨,૦૦૦ ચોરસફુટના J આકારના બેઝમેન્ટમાં લાગી હતી. અહીં સંવેદનશીલ રેકૉર્ડ્સ, દસ્તાવેજો, કાર્પેટ, કબાટ અને અન્ય જ્વલનશીલ સામગ્રી રાખવામાં આવી હતી. આગમાં બેઝમેન્ટને ભારે નુકસાન થયું હતું. વીજળીના વાયરો પીગળી ગયા હતા, જ્યારે આગ ઓલવવા માટે ઉપયોગમાં લેવાયેલું પાણી બેઝમેન્ટમાં ઘૂંટણ સુધી ભરાઈ ગયું હતું.
આગની આ ચોંકાવનારી ઘટનાએ મુંબઈનાં ઊંચાં બિલ્ડિંગો, મોટી ઑફિસો અને સંસ્થાકીય બિલ્ડિંગોમાં નિયમિત રીતે ફાયર-સેફ્ટી ઑડિટ, બેઝમેન્ટ સ્ટોરેજ પર નિયંત્રણ અને સુઆયોજિત ઇવેક્યુએશન પ્લાનની જરૂરિયાતની અગત્ય પર ફરી એક વાર ભાર મૂક્યો છે.