મુંબઈમાં ૪૦ દિવસ ચાલે એટલું જ પાણી, આજે કાપ વધારવો કે નહીં એનો નિર્ણય

16 June, 2026 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના આકાશમાંથી વરસાદી વાદળો ગાયબ, મહારાષ્ટ્રમાં ગરમીથી છુટકારો નહીં

INSAT-3D સૅટેલાઇટથી લેવાયેલી ઇમેજ જેમાં ભારતનું આકાશ વરસાદી વાદળાં વગરનું સ્વચ્છ દેખાઈ રહ્યું છે.

સોમવારે મુંબઈમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે એવી આગાહી હવામાન ખાતાએ રવિવારે કરી હોવા છતાં જોઈએ એવો વરસાદ જોવા મળ્યો નહોતો અને એનું કારણ ભારતના આકાશમાં વરસાદી વાદળો જ ન હોવાનું સામે આવ્યું છે. INSAT-3DS ઉપગ્રહ દ્વારા લેવાયેલી સૅટેલાઇટ ઇમેજમાં ભારતના આકાશમાંથી વરસાદી વાદળો ગાયબ હોવાનું જણાય છે જેને કારણે ચોમાસું બેસવામાં વિલંબ થઈ રહ્યો છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું નબળું પડવાનું કારણ દરિયાઈ ભેજનો અભાવ નથી પરંતુ અપર ઍટમોસ્ફિયરમાં અસામાન્ય પવનની પૅટર્ન છે. પશ્ચિમી જેટ સ્ટ્રીમ સામાન્ય કરતાં વધુ દક્ષિણ તરફ ખસી ગઈ છે જે ચોમાસાને ચલાવતા પવનોને અસર કરે છે. પરિણામે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતો ભેજ હોવા છતાં વાદળાંની રચના પર અસર પડી છે જેને કારણે ચોમાસું લંબાયું છે. એને લીધે દેશનાં ૧૬ રાજ્યોમાં ચોમાસા માટે રાહ જોવી પડશે. મહારાષ્ટ્રમાં હજી બે દિવસ મરાઠવાડા અને વિદર્ભમાં હીટવેવ યથાવત્ રહેશે.
ચોમાસું બેસવામાં વિલંબ થવાથી ચારથી ૧૫ જૂન દરમ્યાન પડતા સરેરાશ વરસાદમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમ્યાન ૫૩.૭ મિલીમીટર વરસાદ પડવો જોઈએ. એને બદલે આ વર્ષે ૬૪ ટકા ઓછો, ફક્ત ૧૯.૨ મિલીમીટર વરરસાદ જ પડ્યો છે.


૪૦ દિવસનો જ પાણીપુરવઠો બાકી, વધુ પાણીકાપ સહન કરવો પડશે? આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે

મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં હવે ફક્ત ૪૦ દિવસ ચાલે એટલો જ પાણીપુરવઠો બાકી છે અને જળાશય વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ ન વરસે તો ભવિષ્યમાં પરિસ્થિતિ વણસી શકે છે અને મુંબઈગરાઓ પર વધુ પાણીકાપ લદાય એવી શક્યતા છે. પરિસ્થિતિ વણસે તો એનો સામનો કઈ રીતે કરવો, વધુ પાણીકાપ લાદવો કે નહીં એ વિશે નિર્ણય લેવા BMC આજે મહત્ત્વપૂર્ણ બેઠક યોજશે. ઉપાય યોજના તૈયાર કરવા આજે રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે એમ BMCના એક અધિકારીએ જણાવ્યું હતું. જો સમયસર પૂરતો વરસાદ ન પડે તો મુંબઈગરાઓએ વધુ પાણીકાપનો સામનો કરવો પડી શકે છે. પહેલેથી જ મુંબઈગરાઓ પર ૧૦ ટકા પાણીકાપ લદાયો છે. હાલ તાનસા, વિહાર, તુલસી, ભાતસા, અપર વૈતરણા, મોડકસાગર અને મિડલ વૈતરણામાં કુલ ૧૦.૭૨ ટકા પાણીપુરવઠો છે. જોકે ગયા વર્ષની સરખામણીએ ૧૫ જૂન સુધી જળાશયોમાં પાણીનું સ્તર વધુ છે. ગયા વર્ષે ૧૫ જૂને આ ટકાવારી ૮.૬૯ હતી. 

mumbai news mumbai mumbai rains monsoon news mumbai monsoon indian meteorological department