દીકરાને પોતાની સાથે ગોવા લઈ જવા માગતા પિતાની ઇચ્છા અધૂરી રહી થઈ

04 June, 2021 08:27 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ફોરવ્હીલરે અડફેટે લેતાં ગુજરાતી ટીનેજરનું થયું મોત

પ્રતીકાત્મક તસવીર

પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં છેલ્લાં ૪ વર્ષથી સિંગલ પેરન્ટિંગની જવાબદારી અદા કરી દીકરા પ્રથમેશને સાચવનાર અને બે મહિના પહેલાં ગોવામાં જૉબ મળતાં ત્યાં શિફ્ટ થનાર કાંદિવલીના યોગેશ પરમારે બે મહિનાથી દીકરાને પોતાના મિત્રને ત્યાં રાખ્યો હતો. હવે પોતે ગોવામાં સેટલ થયા બાદ દીકરાને પોતાની સાથે રાખવા ગોવાની સ્કૂલમાં ઍડ્મિશન લેવાની પૂછપરછ કરી તૈયારી કરી અહીં તેને લેવા આવ્યો હતો, પણ આગલી જ રાતે ૧૦ વર્ષનો પ્રથમેશ મિત્રના ઘરેથી નીકળી ગયો હતો અને રાતના ૧૨.૩૦ વાગ્યે વિલે પાર્લે પાસે કોઈ વાહને તેને અડફેટે લેતાં તે ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જોકે બે કલાકની સારવાર બાદ આખરે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બીજા દિવસે મુંબઈ આવી પહોંચેલા પિતા યોગેશ પરમારને દીકરો નહીં પણ દીકરાનો મૃતદેહ જોવા મળતાં તે ભાંગી પડ્યો હતો. 

 સમતાનગર પોલીસ સ્ટેશનના એપીઆઇ એસ. બી. શેળકેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘યોગેશ પરમાર અને તેની પત્નીએ લવમૅરેજ કર્યાં હતાં, પણ ત્યાર બાદ તેમની વચ્ચે અણબનાવ થતાં તેઓ આપસી સંમતિથી ૨૦૧૭માં છૂટાં પડ્યાં હતાં. ત્યાર બાદ યોગેશ જ પ્રથમેશની કાળજી લેતો હતો. બે મહિના પહેલાં યોગેશને ગોવામાં ડ્રાઇવરની જૉબ મળતાં તેણે પોતાના મિત્રને ત્યાં પ્રથમેશને થોડા દિવસ રાખ્યો હતો. તે તેને લેવા આવવાનો જ હતો, પણ એના આગલા દિવસે મંગળવારે સાંજે પ્રથમેશ ગુમ થઈ ગયો હતો. તે મિત્રના ઘર પાસે રમતો હતો, પણ જ્યારે તેને જમવા બોલાવવા ઘરના લોકોએ તપાસ કરી તો તે નહોતો મળ્યો. તેની શોધ કર્યા બાદ પણ તે ન મળતાં સમતાનગર પોલીસ સ્ટેશનમાં તેમણે મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. એથી અમે તેની એ વિસ્તારમાં શોધ ચાલુ કરી હતી અને મોબાઇલ વૅન પર પણ મેસેજ વહેતો કર્યો હતો. રાતે ૧૨.૩૦ વાગ્યે વિલે પાર્લે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર તે ચાલતો જઈ રહ્યો હતો ત્યારે એક ફોરવ્હીલરે તેને અડફેટે લીધો હતો. અંધેરી પોલીસ તરત જ ત્યાં જઈને તેને વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી, પણ ત્યાં બે કલાકની સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. અમે તેના મિસિંગની વિગતો મોબાઇલ વૅન પર મૂકી હતી એટલે વિલે પાર્લે પોલીસે અમને કહ્યું હતું કે એક છોકરાનો ઍક્સિડન્ટ થયો છે. એથી અમે તેના મિત્રના પરિવારને લઈ હૉસ્પિટલમાં જઈને તપાસ કરતાં એ પ્રથમેશ જ હોવાનું  જણાઈ આવ્યું હતું. યોગેશ તેને પોતાની સાથે લેવા જ મુંબઈ આવ્યો હતો, પણ તે તેને લઈ જાય એ પહેલાં જ આ બનાવ બન્યો હતો.’ 

વિલે પાર્લે પોલીસે તેના એડીઆરની નોંધ કરી હતી. પ્રથમેશના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કર્યા બાદ ગઈ કાલે તેના ચારકોપમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

mumbai` mumbai news western express highway bakulesh trivedi kandivli