OC ન ધરાવતાં ૨૫,૦૦૦ જેટલાં બિલ્ડિંગો માટે સારા સમાચાર

12 September, 2025 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી પૉલિસી હેઠળ રેગ્યુલરાઇઝ કરવામાં આવશે, બીજી ઑક્ટોબરથી લાગુ થશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈનાં ૨૫,૦૦૦ જેટલાં બિલ્ડિંગોને કોઈ ને કોઈ કારણસર ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) ઇશ્યુ કરાયાં નહોતાં, એમને હવે નવી પૉલિસી હેઠળ રેગ્યુલરાઇઝ કરવામાં આવશે એમ મુંબઈ સબર્બ્સના પાલક પ્રધાન આશિષ શેલારે જણાવ્યું હતું. સરકારના આ નિર્ણયને કારણે એ મકાનોમાં રહેતા લાખો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. એ લોકો વર્ષોથી એ મકાનોમાં રહેતા હોવા છતાં તેમને ગેરકાયદે તાબાધારક જ ગણવામાં આવતા હતા. 

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને કો-ઑપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયેલી એક જૉઇન્ટ મીટિંગમાં આ નિર્ણય લેવાયો હોવાનું આશિષ શેલારે જણાવ્યું હતું. આ પૉલિસીમાં OC ન ઇશ્યુ કરાયું હોય એવી BMCના ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ હેઠળ બનાવવામાં આવેલી ઇમારતો સાથે જ મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA), સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA) અને અન્ય ઑથોરિટીએ બનાવેલી ઇમારતોનો સમાવેશ કરવામાં આવશે. જૂના નિયમોમાં રહેલી છટકબારીઓ અને ડેવલપર દ્વારા કરવામાં આવતી ભૂલોને કારણે આવી સમસ્યાઓ સર્જાતી હતી. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બીજી ઑક્ટોબરથી નવી પૉલિસી લાગુ કરશે જે આવી સમસ્યાઓનો ઉકેલ લાવશે અને સિમ્પ્લીફાઇડ રીતે OC ઇશ્યુ કરશે. 

આશિષ શેલારે વધુમાં કહ્યું હતું કે ‘કન્સ્ટ્રક્શન દરમ્યાન ઍડ્મિનિસ્ટ્રેટિવ બાબતની પૂર્તતા કરવાની રહી ગઈ હોય કે પછી ફ્લોર સ્પેસને લગતી ગૂંચવણ હોય, સેટબૅકનો પ્રશ્ન હોય કે પછી નિયમોમાં ફેરફાર થયા હોય તો એવા બધા જ પ્રશ્નોનો આ પૉલિસી હેઠળ ઉકેલ લાવવામાં આવશે, તેમને રાહત મળશે. એટલું જ નહીં, ડેવલપરે જો ઑથોરિટીઝને નિર્ધારિત આપવાના ફ્લૅટ કે પછી જગ્યા નહીં આપી હોય તો એવા કેસમાં પણ મકાનના રહેવાસીઓને હવે દંડ નહીં કરાય. વળી આ પ્રોસેસ ઑનલાઇન અને ટ્રાન્સપરન્ટ હશે.’

 નવી પૉલિસી હેઠળ સોસાયટીઓ હવે પાર્ટ OC માટે ઇન્ડિવિજ્યુઅલી અથવા ડેવલપર સાથે મ‍ળીને પણ અપ્લાય કરી શકે છે એમ જણાવીને આશિષ શેલારે વધુમાં જણાવ્યું હતું કે ‘જો પહેલા ૬ મહિનામાં એ માટે અરજી કરવામાં આવશે તો તેમને કોઈ પેનલ્ટી નહીં લાગે. જો વધારાની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) વપરાઈ હશે તો એનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.’

mumbai news mumbai brihanmumbai municipal corporation maharashtra state road development corporation mumbai suburbs