મુંબઈ: ફાંસીના અપરાધીઓ પર સૌથી વધુ મહેરબાન પ્રતિભા પાટીલ

21 May, 2019 11:54 AM IST  |  મુંબઈ

મુંબઈ: ફાંસીના અપરાધીઓ પર સૌથી વધુ મહેરબાન પ્રતિભા પાટીલ

પ્રતિભા પાટીલ

સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજાનો આદેશ અપાયા બાદ રાષ્ટ્રપતિ પાસે કરેલી માફીની યાચિકા એટલે કે મર્સી પિટિશનમાંથી સૌથી વધુ મર્સી પિટિશનને ભારતનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાર્યકાળ દરમ્યાન આજીવન કારાવાસમાં બદલવામાં આવી હોવાની માહિતી મળી છે. એ મુજબ છેલ્લાં ૩૮ વર્ષમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમ્યાન સૌથી વધુ ફાંસીની સજા માફ કરવામાં આવી હતી અને એને આજીવન કારાવાસમાં બદલવામાં આવી હતી.

આરટીઆઇ કાર્યકર શકીલ અહમદ શેખે ગૃહમંત્રાલયમાં એક આરટીઆઇ દાખલ કરી હતી. માહિતી અધિકાર હેઠળ તેમણે માહિતી માગી હતી કે ૧૯૮૧થી લઈને અત્યાર સુધી રાષ્ટ્રપતિ દ્વારા પ્રાપ્ત થયેલી કેટલી માફીની યાચિકાને રદ કરવામાં આવી હતી અને કેટલી યાચિકાને માફ કરવામાં આવી હતી. આ માહિતીનો જવાબ જુડિશ્યલ વિભાગના જૉઇન્ટ સેક્રેટરી ડેનિયલ રિચર્ડ દ્વારા અપાયો હતો જેમાં એવી માહિતી મળી હતી કે ૧૯૮૧થી લઈને અત્યાર સુધી સૌથી વધુ દયાની યાચિકાઓને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાર્યકાળ ૨૦૦૭થી લઈને ૨૦૧૨ સુધી આજીવન કારાવાસમાં બદલવામાં આવી હતી.

બે વખત રદ થઈ યાકુબ મેમણની અરજી

૧૯૯૩માં મુંબઈમાં ક્યારેય ભૂલી ન શકાય એવા સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણે પણ બે વખત માફીની યાચિકા દાખલ કરી હતી. ૨૦૧૪ની બીજી જાન્યુઆરીએ અને ૨૦૧૫ની ૨૬ જુલાઈએ યાકુબ મેમણે રાષ્ટ્રપતિ સામે દયાની અરજી કરી હતી, પરંતુ બન્ને વખત રાષ્ટ્રપતિએ તેની અરજી રિજેક્ટ કરી હતી. જાણવા જેવું છે કે આરોપી યાકુબ મેમણની બીજી દયાની અરજી પર ફક્ત ત્રણ જ દિવસમાં નિર્ણય લેવામાં આવ્યો હતો તેમ જ ૨૦૧૫ની ૨૬ જુલાઈએ તેણે પોતાની બીજી માફીની યાચિકા રાષ્ટ્રપતિ સામે રજૂ કરી અને ૨૯ જુલાઈએ રાષ્ટ્રપતિએ એને રિજેક્ટ કરી હતી. એ ઉપરાંત સંસદ પર હુમલાના આરોપી અફઝલ ગુરુએ ૨૦૦૬ની ૩ ઑક્ટોબરે રાષ્ટ્રપતિ સામે દયાની યાચિકા દાખલ કરી હતી, પરંતુ ૨૦૧૩ની ૩ ફેબ્રુઆરીએ એના પર નિર્ણય લેવાયો અને તેની ફાંસીની સજાને કાયમ રાખી હતી.

pratibha patil mumbai mumbai news