મુંબઈગરા ગરમીમાં શેકાયા: નવી મુંબઈના રબાળેમાં ૪૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું

17 April, 2024 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારે વીજળીની ડિમાન્ડ ૩૯૭૩ મેગાવૉટ સુધી પહોંચી ગઈ હતી અને એક્સપર્ટ્સનું કહેવું છે કે એ સહેજે ૪૦૦૦ મેગાવૉટ સુધી પહોંચી જશે. 

પ્રતીકાત્મક તસવીર

વેધશાળાએ કરેલી આગાહી મુજબ ગઈ કાલે પણ મુંબઈગરાઓએ આકરી ગરમીમાં શેકાવું પડ્યું હતું. બપોરના સમયે તો રીતસરના ગરમીના ચટકા લાગી રહ્યા હતા અને ગરમ પવનોને કારણે લૂ ફેંકાઈ રહી હોવાનો અનુભવ મુંબઈગરાઓએ કર્યો હતો. બપોરના સમયે રોડ પર રાહદારીઓની હાજરી બહુ પાંખી હતી એટલું જ નહીં, વાહનો પણ પ્રમાણમાં ઓછાં દેખાઈ રહ્યાં હતાં. ગઈ કાલે સાંતાક્રુઝમાં ૩૯.૭ ​ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં રબાળેમાં સૌથી વધુ ૪૨.૮ ​ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસે તો ગરમી થાય જ છે, પરંતુ રાતે પણ એમાં બહુ રાહત મળતી નથી. સોમવારે રાતે પણ આ વર્ષનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન ૨૭.૮ ​ડિગ્રી કોલાબામાં નોંધાયું હતું. સાંતાક્રુઝમાં નોંધાયેલું ૩૯.૭ ​ડિગ્રી તાપમાન છેલ્લાં ૧૦ વર્ષમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું. આ પહેલાં ૨૦૧૪માં સાંતાક્રુઝમાં ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે પણ મુંબઈ, થાણે, રાયગડ અને સિંધુદુર્ગમાં હીટવેવ ચાલુ રહી શકે એવી વેધર બ્યુરોએ આગાહી કરી છે એટલે મુંબઈગરાને ગરમીમાં રાહત મળવાની શક્યતા ઓછી છે. મુંબઈગરા ગરમીને નાથવા હાલ બને એટલા પ્રયાસ કરી રહ્યા છે. શેરડીના રસનું અને કોલ્ડ-​​ડ્રિન્ક્સનું વેચાણ વધી ગયું છે. રિક્ષા-ડ્રાઇવરો બપોરના સમયે લૂ વાતી હોવાથી છાંયડામાં ​રિક્ષા ઊભી રાખીને થોડી વાર આરામ કરતા જોવા મળે છે. પંખા, ઍર-કન્ડિશનર અને કૂલર પણ સતત ચાલી રહ્યાં છે.  

ગરમીમાં વધારો થવાથી ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ પણ વધી
ઉનાળો બરાબર જામી રહ્યો છે અને હાલ તો મુંબઈમાં હીટવેવ પણ છે ત્યારે ગરમીથી રાહત મેળવવા મુંબઈગરા પંખા, ઍર-ક​ન્ડિશનર, કૂલર સતત વાપરી રહ્યા છે એને કારણે વીજળીનો વપરાશ વધુ ને વધુ થઈ રહ્યો છે. સોમવારે વીજળીની ડિમાન્ડ ૩૯૭૩ મેગાવૉટ સુધી પહોંચી ગઈ હતી અને એક્સપર્ટ્સનું કહેવું છે કે એ સહેજે ૪૦૦૦ મેગાવૉટ સુધી પહોંચી જશે. 

આ વર્ષે વીજળીની ડિમાન્ડમાં સાત ટકાનો અચાનક વધારો થયો હોવાથી વીજ-ઉત્પાદનનો મુખ્ય સોર્સ એવો કોલસો અવિરત મળતો રહે એ માટે ​વિદેશી કોલસાની આયાત હવે ઑક્ટોબરના મધ્ય સુધી કરવાની છૂટ કેન્દ્ર સરકારે વીજ-કંપનીઓને આપી છે. પહેલાં આ છૂટ જૂન સુધી જ આપવામાં આવી હતી. ગયા વર્ષે દેશભરમાં ૨૪૧ ગીગાવૉટ પાવરની સપ્લાય થઈ હતી. આ વર્ષે ઉનાળામાં જ એ ૨૬૦ ગીગાવૉટ સુધી પહોંચી ગઈ છે. 

mumbai news Weather Update mumbai weather navi mumbai