07 May, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બાંદરા (ઈસ્ટ)માં પડતો વરસાદ. તસવીર : આશિષ રાજે
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ગઈ કાલે દિવસભર વાદળાં છવાયેલાં રહ્યાં હતાં અને એ પછી સાંજે મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં પહેલાં ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાયો હતો અને ત્યાર બાદ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન ખાતાએ રાતે ૯.૩૦ વાગ્યે આગાહી કરતાં કહ્યું હતું કે રાતે પણ વરસાદનાં છૂટાછવાયાં ઝાપટાં પડતાં રહેશે. એ સાથે જ ગુરુવાર–શુક્રવાર સુધી સાંજે ભારે પવન સાથે વરસાદનાં ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન ખાતાએ કહ્યું છે કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા છે અને એ પોતાની સાથે ભેજને પણ ખેંચી લાવે છે જેને કારણે આ રીતે પ્રી-મૉન્સૂન ઝાપટાં પડી રહ્યાં છે.
વરસાદનાં ઝાપટાં પડવાને કારણે મુંબઈગરાને ભારે ગરમી અને બફારામાંથી થોડી રાહત મળી હતી. કલ્યાણ અને એની આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જ્યારે હાર્બર લાઇનમાં ઓવરહેડ વાયર પર ઝાડની ડાળી પડતાં ટ્રેનો અટકી ગઈ હતી. ઝાડ હટાવ્યા બાદ ટ્રેનો રાબેતા મુજબ શરૂ થઈ હતી. મુંબઈમાં પણ અનેક ઠેકાણે ઝાડ અને ઝાડની ડાળખી તૂટી પડી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાત, વડોદરા અમદાવાદ, રાજકોટમાં છેલ્લા બે દિવસથી કડાકાભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે જે આજે પણ ચાલુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે.
રાજ ઠાકરેના ઘરની પાછળ ઝાડ તૂટી પડ્યું
ચોમાસા પહેલાં ગઈ કાલે પડેલા વરસાદમાં દાદરમાં શિવાજી પાર્ક પાસે આવેલા રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થની પાછળ આવેલું એક મોટું ઝાડ તૂટી પડ્યું હતું. ઝાડનો મોટો ભાગ કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.