12 March, 2025 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૨૨ કરોડના કૌભાંડના મુખ્ય આરોપીને લાઇ ડિટેક્શન ટેસ્ટમાં પૂછવામાં આવ્યા ૫૦ સવાલ
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડમાં આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ગઈ કાલે મુખ્ય આરોપી હિતેશ મહેતાની લાઇ ડિટેક્શન ટેસ્ટ કરી હતી.
કાલિનામાં આવેલી ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)માં ગઈ કાલે બપોરે આ ટેસ્ટ કરવામાં આવી હતી. બૅન્કના ભૂતપૂર્વ જનરલ મૅનેજર અને હેડ ઑફ અકાઉન્ટ્સ હિતેશ મહેતાને ૫૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ટેસ્ટનો રિપોર્ટ ૧૭ માર્ચ સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે.
છેલ્લાં અમુક વર્ષોમાં હિતેશ મહેતા પહેલા છે જેમના પર EOW દ્વારા લાઇ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘બહુ જ જલદી ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) રિઝર્વ બૅન્કની મુલાકાત લેશે અને તેમને પૂછશે કે ૧૨ ફેબ્રુઆરીએ બૅન્કનું ઇન્સ્પેક્શન કરવાની જરૂર તેમને શું કામ પડી હતી. આ સિવાય બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન હિરેન ભાનુ અને તેમનાં પત્ની અને બૅન્કનાં ભૂતપૂર્વ વાઇસ ચૅરપર્સન ગૌરી ભાનુને રિઝર્વ બૅન્કના ઇન્સ્પેક્શનની ખબર હતી કે નહીં એ બાબતે પણ તપાસ કરવામાં આવશે.’
કેસમાં અત્યાર સુધી કોની ધરપકડ કરવામાં આવી છે?
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડમાં EOWએ અત્યાર સુધીમાં બૅન્કના જનરલ મૅનેજર અને અકાઉન્ટ્સ હેડ હિતેશ મહેતા, કાંદિવલીના બિલ્ડર ધર્મેશ પૌન, બૅન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અભિમન્યુ ભોઅન અને મલાડના બિઝનેસમૅન ઉન્નથન અરુણાચલમના પુત્ર મનોહર અરુણાચલમની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે હિતેશ મહેતાએ ૧૨૨ કરોડ રૂપિયામાંથી ૭૦ કરોડ રૂપિયા ધર્મેશ પૌનને આપ્યા હતા અને બીજા ૪૦ કરોડ રૂપિયા મલાડના બિઝનેસમૅન ઉન્નથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઈને આપ્યા હતા. જોકે અરુણભાઈ હજી પોલીસના હાથમાં નથી આવ્યો. પોલીસે આ કેસમાં સિવિલ કૉન્ટ્રૅક્ટર કપિલ દેઢિયાને પણ વૉન્ટેડ જાહેર કર્યો છે. RBIએ બૅન્કના કારભાર પર ૧૪ ફેબ્રુઆરીથી રોક લગાવી દીધી હતી.