28 July, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાર્ટી કરીને પાછા ફરી રહેલા ચાંદિવલીના ૨૭ વર્ષના સિદ્ધાર્થ મહાલિંગમે શુક્રવારે પરોઢિયે ખારમાં લિન્કિંગ રોડ પર નાકાબંધી કરીને મોટરિસ્ટોનું ચેકિંગ કરી રહેલી ટ્રાફિક-પોલીસથી બચવા તેની કાર રિવર્સમાં પણ સ્પીડમાં ચલાવીને એક ટ્રાફિક-પોલીસને ઠોકી દીધી હતી. ઘાયલ થયેલા તે ટ્રાફિક-પોલીસને જડબામાં ૧૨ અને કપાળમાં ૩ ટાંકા આવ્યા હતા.
બાંદરામાં ટ્રાફિક-પોલીસ લિન્કિંગ રોડ પર નાકાબંધી કરી મોટરિસ્ટોને રોકીને બ્રેથ-ઍનૅલાઇઝર ટેસ્ટ કરી રહી હતી ત્યારે આ કાર્યવાહીથી બચવા સિદ્ધાર્થે તેની કાર રિવર્સમાં દોડાવી હતી. એ વખતે તેની પાછળ લગભગ પચીસ મીટર દૂર ૪૪ વર્ષનો ટ્રાફિક-કૉન્સ્ટેબલ અશોક બોરુડે તેની ટ્રાફિક-પોલીસની બાઇક પર હતો. તે રિવર્સમાં સ્પીડમાં આવતી કાર જોઈને તેની બાઇક આગળ-પાછળ કરે એ પહેલાં સિદ્ધાર્થે તેની કાર તેને ઠોકી દીધી હતી. એ વખતે જોશભેર ટક્કર લાગતાં કારની પાછળની વિન્ડ-સ્ક્રીન તૂટી ગઈ હતી અને એમાં અશોક બોરુડેનું જડબું ફસાઈ ગયું હતું. ત્યાર બાદ સિદ્ધાર્થને ઝડપીને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ઘવાયેલા અશોક બોરુડેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં તેણે નીચેના જડબામાં ૧૨ અને કપાળ પર ૩ ટાંકા લેવા પડ્યા હતા.