25 January, 2026 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માનસિક રીતે દિવ્યાંગ યુવક તેના પપ્પા અને મદદ કરનાર કરણ જોશી સાથે.
મુંબઈના એક ડિજિટલ ક્રીએટરે રસ્તે રઝળતા એક બેઘર દિવ્યાંગ યુવકને છેક ઝારખંડ તેના પરિવાર સાથે મેળવી આપવાનું કામ કર્યું છે. સવારે ડૉગીને વૉક કરાવવા નીકળેલા કરણ જોશી નામના ડિજિટલ ક્રીએટરને રસ્તા પર માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ યુવક પડેલો દેખાયો. તેના પગમાં સોજો હતો અને ચેપ લાગ્યો હતો જેને કારણે તે ચાલી શકતો નહોતો. ત્યારે કરણે તેની મદદ કરવાનું નક્કી કર્યું.
ક્ષીણ અને દુર્ગંધ મારતા આ યુવકને કરણ નજીકની હૉસ્પિટલમાં લઈ ગયો. આ માણસને ફક્ત તેના પિતાનું નામ યાદ આવ્યું હતું. પછી કરણે તેને સ્વચ્છ કરીને સારવાર કરાવી. ત્યાર બાદ તેને વધુ પૂછપરછ અને તપાસ માટે નેરુળ પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યો. અનેક વાર પૂછવા છતાં તેને માત્ર તેના શહેરનું નામ યાદ આવ્યું. ઝારખંડના હરિહરગંજ શહેરમાં રહેતા ૨૦ વર્ષના આ યુવકના પરિવારને પોલીસ એ જ દિવસે શોધી કાઢ્યો. યુવકના પિતા તેને લેવા પોલીસ-સ્ટેશન પહોંચ્યા ત્યારે માનસિક રીતે દિવ્યાંગ યુવક માત્ર પપ્પા કહીને તેમને બોલાવી શક્યો. ડિજિટલ ક્રીએટરની મદદથી પિતા-પુત્રનું મિલન શક્ય બનતાં અનેક લોકોએ આ સ્ટોરીને લાઇક કરી છે.