ડ્રગ્સ લેવાવાળા ‘શેર’ તો પાલીસ છે સવાશેર

04 October, 2021 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસના ડરથી ક્રૂઝમાં રેવ પાર્ટીનું આયોજન થયું, પણ એનસીબીથી ન બચી શક્યા : મુંબઈ કે આસપાસમાં આનું જોખમ હોવાથી મધદરિયે ૮૦,૦૦૦ રૂપિયાથી બે લાખ રૂપિયા ચાર્જ લઈને આયોજન કરાયાની શંકા

કોર્ડેલિયા ક્રૂઝ

ગયા વર્ષે જૂન મહિનામાં બૉલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુમાં ડ્રગ્સનો ઍન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એે સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સહિત બૉલીવુડ અને ટીવી સાથે સંકળાયેલા તેમ જ તેમને નશીલા પદાર્થ સપ્લાય કરવાના આરોપસર ૩૩ આરોપીની ધરપકડ કરી હતી. મુંબઈમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે, એની સપ્લાય કોણ કરે છે અને ડ્રગ્સ કોણ લે છે એની માહિતી પોલીસને આ મામલાની ઊંડાણપૂર્વકની તપાસમાં હાથ લાગી છે. આથી આયોજકોએ મધદરિયે એટલે કે ક્રૂઝમાં રેવ પાર્ટીનું આયોજન કર્યું હોવાનું મનાય છે. જોકે તેઓ પોલીસની નજરથી બચી નહોતા શક્યા. એનસીબીએ પહેલી વખત મધદરિયે પહોંચીને ડ્રગ્સવિરોધી કાર્યવાહી કરી છે.

એનસીબીની સેન્ટ્રલ ટીમને બે અઠવાડિયાં પહેલાં મુંબઈના દરિયાકિનારેથી ગોવા, માલદિવ્સ સહિતની ક્રૂઝમાં બૉલીવુડ કનેક્શન સાથેની ડ્રગ્સની રેવ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી. મામલો મુંબઈનો હોવાથી એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને ક્રૂઝ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું હતું. એનસીબીના ડિરેક્ટર જનરલ એસ. એન. પ્રધાને નિવેદન આપ્યું છે કે કોર્ડેલિયા ક્રૂઝમાં રેવ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળ્યા બાદ એનસીબીના બાવીસ અધિકારીની ટીમ ક્રૂઝમાં સાદાં કપડાં પહેરીને પૅસેન્જર તરીકે જોડાઈ હતી.

દોઢેક વર્ષથી કોરોનાને લીધે દેશભરમાં મોટા ભાગે લૉકડાઉન હોવાની સાથે મુંબઈ કે આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સની રેવ પાર્ટીનું આયોજન કરવાનું મુશ્કેલ હોવાથી ક્રૂઝમાં રેવ પાર્ટીનું આયોજન કરાયું હોવાનું કહેવાય છે. મધદરિયે કોઈ જોખમ ન હોવાનું કહીને ડ્રગ્સની રેવ પાર્ટીમાં સામેલ થવા માગનારાઓ પાસેથી ૮૦,૦૦૦ રૂપિયાથી માંડીને બે લાખ રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસનો ડર ન હોવાથી દિલ્હી અને મુંબઈના નબીરાઓએ ક્રૂઝની ટિકિટ ખરીદી હતી અને તેઓ મધદરિયે ક્રૂઝમાં પાર્ટી મનાવી રહ્યા હતા ત્યારે એનસીબીની ટીમે તેમની સામે કાર્યવાહી કરી હતી.

મુંબઈના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘મુંબઈ અને આસપાસમાં રેવ પાર્ટીનું આયોજન કરવાનું મુશ્કેલ હોવાથી મધદરિયે ક્રૂઝમાં આવી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની શક્યતા નકારી ન શકાય. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ શહેરમાં નશીલા પદાર્થની હેરાફેરી અને સેવન કરનારાઓ પર પોલીસની કડક નજર છે. વર્ષોથી ડ્રગ્સ સપ્લાય કરનારાઓ પોલીસના સકંજામાં આવતાં મુંબઈમાં હવે ડ્રગ્સની સપ્લાય કરવાનું જોખમ વધી ગયું છે. જોકે કેટલાક લોકો રેવ પાર્ટી કરવા માટે ગમે એટલી રકમ આપવા તૈયાર હોય છે એટલે મધદરિયે આવું આયોજન કરાયું હોઈ શકે.’

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં એનસીબીએ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, ઍક્ટર અરમાન કોહલી, ટીવી-ઍક્ટર ગૌરવ દીક્ષિત સહિત ૩૩ લોકોની ધરપકડ કરવાની સાથે દીપિકા પાદુકોણ અને સારા અલી ખાનની પણ પૂછપરછ કરી હતી.

mumbai mumbai news