છ મહિનાનું પ્લાનિંગ, પહેલાં સાસુ અને પછી હસબન્ડને પતાવી નાખ્યો

04 December, 2022 08:39 AM IST  |  Mumbai | Mehul Jethva

સાંતાક્રુઝમાં કપડાના ગુજરાતી વેપારીને પત્નીએ પ્રેમી સાથે મળીને સ્લો પૉઇઝન આપીને મારી નાખ્યો: વેપારીની માતાના મૃત્યુ પાછળ પણ તેઓ બન્ને જવાબદાર હોવાની ફરિયાદ પછી પોલીસે તપાસ શરૂ કરી

આરોપી પત્ની તેના પતિ સાથે


મુંબઈ : મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે સાંતાક્રુઝના કપડાંના એક વેપારીની હત્યાના આરોપસર પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. આરોપી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પત્ની અને તેનો પ્રેમી વેપારીની મિલકત હડપવા માગતાં હતાં. તેમણે વેપારીની હત્યા માટે આશરે છ મહિનાથી સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું. એ અનુસાર તેમણે વેપારીને ધીરે-ધીરે સ્લો પૉઇઝન આપવાનું શરૂ કર્યું જેના કારણે તેના શરીરનાં અંગો સતત બગડતાં ગયાં હતાં. અંતે ઑર્ગન ફેલ્યરને કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એમાં વેપારીની માતાનું પણ આ જ રીતે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
સાંતાક્રુઝમાં દત્તાત્રય રોડ પર ગણેશકૃપા સોસાયટીમાં બીજા માળે રહેતા અને ભિવંડી, મુંબઈ તથા થાણેમાં સિદ્ધિનમો ફૅબટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કમલકાંત કપૂરચંદ શાહનું એકાએક શરીરમાં આર્સેનિક ધાતુનું પ્રમાણ વધી જવાથી ૧૯ સપ્ટેમ્બરે રાતે ૧૦.૪૦ વાગ્યે મૃત્યુ થયું હતું. આ વાત શંકાસ્પદ લાગતાં કમલકાંતની બહેન કવિતા લાલવાણીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. એમાં તેણે કહ્યું હતું કે ૨૦૦૨માં કમલકાંતનાં લગ્ન કવિતા (કાજલ) મહેતા સાથે થયાં હતાં. તેઓ પુત્ર જીનય અને પુત્રી હનીસા સાથે રાજીખુશી રહેતાં હતાં. આશરે બે વર્ષ પહેલાં કમલકાંત અને કવિતા વચ્ચે નાના-મોટા ઝઘડા  શરૂ થયા હતી. દરમિયાન ૨૦૨૧માં બે વાર કવિતા ઘર છોડીને ચાલી પણ ગઈ હતી. એ પછી ઘરના વડીલોએ બંને વચ્ચેના ઝઘડાનો ઉકેલ કાઢ્યો હતો. એ પછી પણ કવિતા ઘર છોડીને ચાલી ગઈ હતી. મે ૨૦૨૨માં કવિતાએ સામેથી કમલકાંત સાથે રહેવાની ઇચ્છા બતાવીને તેના સંબંધીઓને કમલકાંતના ઘરે મોકલ્યા હતા. જૂન ૨૦૨૨માં ફરી એક વાર કવિતા કમલકાંત સાથે રહેવા આવી હતી. દરમિયાન ૨૭ જુલાઈએ કમલકાંતની માતા સરલાબહેનને એકાએક પેટમાં દુખાવો થતાં તેમને ઇલાજ માટે કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં ૧૩ ઑગસ્ટે મલ્ટિપલ ઑર્ગન ફેલ્યરને કારણે તેમનું મૃત્યુ થયું હતું. એ પછી ૨૪ ઑગસ્ટે કમલકાંત તેમની ભિવંડીની ઑફિસ પર હતા ત્યારે તેમને પણ એકાએક પેટમાં દુખાવો શરૂ થયો હતો. ત્યાર બાદ તેમને ૨૭ ઑગસ્ટે ક્રિટીકૅર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં પણ તેમની તબિયતમાં કોઈ સુધારો ન દેખાતાં ડૉક્ટરની સલાહથી ૧૩ સપ્ટેમ્બરે બ્લડ હેવી મેટલ ટેસ્ટ કરવામાં આવી હતી. એમાં આર્સેનિકનું પ્રમાણ સામાન્ય સ્તર કરતાં ૪૦૦ ગણું અને થેલિયમનું પ્રમાણ સામાન્ય સ્તર કરતાં ૩૬૫ ગણું હતું. ડૉક્ટરની સલાહ લેતાં તેમણે કહ્યું હતું કે કોઈએ ખાવાની વસ્તુમાં સ્લો પૉઇઝન આપ્યું છે જેના કારણે એક પછી એક ઑર્ગન ફેલ્યર થયાં હતાં. ૧૯ સપ્ટેમ્બરે મલ્ટિપલ ઑર્ગન ફેલ્યર થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. ૧૩ ઑગસ્ટે માતાના અવસાનમાં પણ સરખાં લક્ષણો સામે આવતાં પરિવારે પોલીસમાં ફરિયાદ કરવા અંગે આગળ વધવાનો વિચાર કહેતાં પત્ની કવિતાએ એનો વિરોધ કર્યો હતો.

આરોપીની સાસુ

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૯ના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂન મહિનામાં કવિતા તેના પતિ સાથે અમુક શરતો પર પાછી રહેવા માટે આવી હતી. ફરિયાદીએ એવો દાવો કર્યો હતો કે ઘરમાં ખાવાનું રોજ લક્ષ્મણ નામનો કુક બનાવતો હતો. તે રોજ સવારે કમલકાંત માટે ઉકાળો બનાવતો હતો જે થોડા વખતથી તેમની પત્ની બનાવતી હતી. પત્ની ઉકાળો બનાવે ત્યારે લક્ષ્મણને કોઈ કામથી બહાર મોકલી દેતી હતી. પ્રાથમિક માહિતી એવી સામે આવી છે કે આરોપી કવિતાના પ્રેમી હિતેશ જૈને કેમિકલના વેપારી પાસેથી કેમિકલ પાઉડર લઈને એનો સ્લો પૉઇઝન રીતે કમલકાંતને મારવા માટે ઉપયોગ કર્યો છે. હાલમાં જ્યાંથી કેમિકલ લેવામાં આવ્યું છે એના માલિકનું સ્ટેટમેન્ટ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં આઠમી ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’
કમલકાંતની બહેન કવિતા લાલવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૩ ઑગસ્ટે માતાના અને ૧૯ સપ્ટેમ્બરે ભાઈના મૃત્યુમાં મોટા પ્રમાણમાં સમાનતા જોવા મળી છે. અમે આ બાબતની તપાસ કરવાનું નક્કી કર્યું ત્યારે કવિતાએ કોઈ રસ બતાવ્યો નહોતો. એના પરથી અમારી શંકા વધવા લાગી હતી. થોડા જ દિવસમાં કવિતાએ તેના ભાઈઓ સાથે મારા ભાઈ (કમલકાંત શાહ)ની ભિવંડીમાં ઑફિસની મશીનરી વેચી દીધી હતી અને કમલકાંતની પૉલિસીઓ અને મિલકતો વિશે પૂછપરછ કરવા વિવિધ વીમા કંપનીઓને ફોન કર્યો હતો. આરોપી હિતેશ જૈન સાથેની તેની મિત્રતા, પતિ પાસે આવવાની તેની સ્થિતિ, એકાએક મારી માતાનું મૃત્યુ અને થોડા દિવસોમાં મારા ભાઈનું મૃત્યુ આ બધાએ કારણે અમને તેની સંડોવણીની શંકા થઈ હતી. મારી માતાની હત્યા પણ આ જ રીતે સ્લો પોઇઝનથી કરવામાં આવી છે. પોલીસને મેં અપીલ કરી છે કે મારી માતાની હત્યા બાબતે પણ તેઓ તપાસ કરે.’
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૯ના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ખટાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક દિવસ પહેલાં આરોપી અને તેની પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર આરોપીએ પ્રૉપ્રર્ટી અને પ્રેમપ્રકરણમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી મહિલાએ તેની સાસુની હત્યા પણ આવી જ રીતે કરી છે કે નહીં એ બાબતની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. થોડા દિવસમાં પિક્ચર વધુ ક્લિયર થશે.’ 

Crime News mumbai crime news santacruz