લેણદારોથી બચવા દારૂડિયાએ 18 બૉમ્બની બીક બતાવીને પોલીસના હાલ કર્યા બેહાલ

15 March, 2021 10:08 AM IST  |  Mumbai | Mehul Jethva

લેણદારોથી બચવા દારૂડિયાએ 18 બૉમ્બની બીક બતાવીને પોલીસના હાલ કર્યા બેહાલ

ગણેશ દી​ક્ષિત

અત્યારે મુકેશ અંબાણીના ઘરની સામે વિસ્ફોટક સાથે મળી આવેલી કારનો કેસ અને મનસુખ હિરણ મર્ડરકેસ સહિતના મહત્ત્વના કેસમાં વ્યસ્ત મુંબઈ પોલીસને ગુરુવારે મધરાતે એક દારૂડિયાએ જબરદસ્ત દોડતી કરી દીધી હતી.

મુંબઈ પોલીસને ગુરુવારે મધરાત બાદ બે વાગ્યે ૧૦૦ નંબર પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોલીસ કન્ટ્રોલ રૂમના ઑપરેટરને કહ્યું હતું કે ‘હું આજે બપોરે મુમ્બ્રા ગયો હતો. ત્યાં મેં ત્રણ જણને વાતો કરતા સાંભળ્યા હતા કે મુલુંડમાં ૧૮ જગ્યાએ બૉમ્બ રાખવામાં આવ્યા છે અને આ બૉમ્બ શુક્રવારે ફૂટવાના હોવાની તેઓ વાત કરી રહ્યા હતા. મને તો આ લોકો આતંકવાદી હોય એવું લાગતું હતું.’
આ વાત સાંભળતાં જ ઑપરેટરે ઉપરી અધિકારીઓને વાત કરી અને તરત જ મુંબઈ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ અને ઍન્ટિ-ટેરર એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. તરત જ ક્રાઇમ બ્રાન્ચની બે ટીમોને ફોન કરનારી વ્યક્તિએ મુમ્બ્રાની જે જગ્યા કહી હતી ત્યાં મોકલવામાં આવી હતી અને તેમણે એ એરિયાનાં સીસીટીવી ફુટેજ તપાસવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત સ્થાનિક પોલીસને જાણ કરીને તેમની પણ મદદ લેવામાં આવી હતી. જોકે ફોન કરનારી વ્યક્તિએ જે જગ્યા કહી હતી ત્યાં તેમને કોઈ ઍક્ટિવિટી નહોતી જોવા મળી.
આગળ શું થયું એ વિશે મુલુંડ પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી સતીશ પાટીલએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુમ્બ્રામાં કંઈ ન મળતાં અમને કૉલર પર શંકા ગઈ. આથી અમે તેનો કૉલ-ડેટા કાઢ્યો. એમાં અમને જાણવા મળ્યું કે ફોન કરનારી વ્યક્તિ ગુરુવારે મુમ્બ્રા ગઈ જ નહોતી. આ સિવાય અમને ખબર પડી કે આ વ્યક્તિએ તો મુલુંડ પોલીસ-સ્ટેશનના સો મીટરની અંદર બેસીને જ કન્ટ્રોલ રૂમમાં કૉલ કર્યો હતો. તરત જ તેને શોધીને અમે પકડી લાવ્યા. તેને જ્યારે પકડ્યો ત્યારે તે બહુ જ દારૂ પીધેલો હતો.’

પોલીસ શું કહે છે
શુક્રવારે ૩૮ વર્ષનો આરોપી ગણેશ દીક્ષિત હોશમાં આવ્યો ત્યારે તેણે આવો કૉલ શું કામ કર્યો એ વિશે અમને કહ્યું કે અમુક લોકો પાસેથી તેણે પૈસા લીધા હતા અને એ લોકો પૈસા પાછા લેવા માટે તેની પાછળ પડી ગયા હતા. આ લોકોથી પીછો છોડાવવા તેણે આ નાટક કર્યું હતું. તેનું કહેવું હતું કે જો આવી અફવા ફેલાવવાને લીધે તપાસ કરવા પોલીસ તેને સાથે લઈને ફરશે તો એ જોઈને પૈસા માગતા લોકો ડરી જશે અને તેને હેરાન કરવાનું છોડી દેશે. બસ, આ કારણસર તેણે અમને ભાગતા કરી દીધા હતા. ધરપકડ કરીને તેને કોર્ટમાં હાજર કરતાં ગઈ કાલ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી. આજે તેને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવશે.

વિજયાલક્ષ્મી હિરમઠે
મુલુંડ પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર

mumbai mumbai news mulund Crime News mumbai crime news mumbai police