મલાડ-ગોરેગામના આઠ જ્વેલરોના દાગીના લઈને છૂ થઈ ગયેલા બે આરોપી ઝારખંડથી પકડાયા

01 April, 2017 08:34 AM IST  | 

મલાડ-ગોરેગામના આઠ જ્વેલરોના દાગીના લઈને છૂ થઈ ગયેલા બે આરોપી ઝારખંડથી પકડાયા



સમીઉલ્લા ખાન


જ્વેલરીના હૉલમાર્કનું ટેસ્ટિંગ અને પ્રિન્ટિંગ કરતી બોરીવલીની એક કંપનીનો  કર્મચારી મલાડ-ગોરેગામના જ્વેલરો પાસેથી બાવીસમી માર્ચે ૨૧,૫૦,૦૦૦ રૂપિયાના દાગીના ઉઘરાવીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની ફરિયાદ ગોરેગામ (ઈસ્ટ)માં આવેલા વનરાઈ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી.   

સોમવારે ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં જઈને પોલીસ ૧૩,૮૯,૦૦૦ રૂપિયાના દાગીના સાથે બે જણની ધરપકડ કરીને તેમને મુંબઈ લઈ આવી હતી. આ કેસમાં ત્રીજો આરોપી ફરાર છે.

ઝડપાયેલા બે આરોપીઓમાં પ્રદીપ યાદવ ઉર્ફે દિવાકર અને ૨૬ વર્ષનો જિતેન મમુર્યો છે, જ્યારે ત્રીજો આરોપી મુકેશ યાદવ ફરાર છે.

કઈ રીતે ચોરી થઈ?

બોરીવલીની લિઓ ગોલ્ડ કંપનીમાં જ્વેલરોના સોનાના દાગીના પર હૉલમાર્ક પ્રિન્ટિંગનું કામ કરવામાં આવે છે. એ માટે વિવિધ જ્વેલરો પાસેથી કંપનીના માણસો દાગીના લઈ આવે અને હૉલર્માક કરીને તેમને પાછા આપી આવે. ફરિયાદી સુશીલ ભંડારીએ પોલીસને આપેલા સ્ટેટમેન્ટ કહ્યું હતું કે ‘આ કંપનીમાં ૨૪ વર્ષનો દિવાકર યાદવ છેલ્લાં બે વર્ષથી નોકરી કરતો હતો. અમારી કંપનીમાં ૧૦ કર્મચારીઓ છે અને તેઓ શહેરમાંની જ્વેલરી શૉપમાંથી દાગીના કલેક્ટ કરે અને તેમને પાછા આપી આવવાનું કામ કરે છે. ઘટનાના દિવસે યાદવ અને અન્ય કર્મચારી અનિલ પાટીલ સવારે સાડાઅગિયાર વાગ્યે મોટરસાઇકલ પર જ્વેલરોને ત્યાંથી દાગીના લેવા ગયા હતા. મલાડના રૂડીરાજ જ્વેલર્સ, રાજેશ ગોલ્ડ, ગણેશ જ્વેલર્સ અને રાજકમલ જ્વેલર્સ તેમ જ ગોરેગામના કાજલ જ્વેલર્સ, વી. ગોલ્ડ અને ચારભુજા જ્વેલર્સમાંથી તેમણે સોનાના દાગીના કલેક્ટ કર્યા હતા. ગોરેગામ અને મલાડના આઠ જ્વેલરોને ત્યાંથી દાગીના કલેક્ટ કરીને આશરે બપોરે બે વાગ્યે પાટીલને ગોરેગામમાં ઊભો રાખીને યાદવ અન્ય એક જ્વેલર્સને ત્યાં દાગીના લેવા જાઉં છું કહીને ગયો હતો. ઘણા સમય રાહ જોયા છતાં યાદવ આવ્યો નહીં એટલે પાટીલે મોબાઇલ ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પંરતુ તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતો હતો. થોડી વાર રાહ જોયા બાદ પાટીલે મને જાણ કરી હતી અને ત્યાર બાદ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

પોલીસ શું કહે છે?

પોલીસે જણાવ્યા અનુસાર બન્ને આરોપીઓ પાસેથી ૧૩,૮૮,૮૭૮ રૂપિયાના ૪૯૦.૧૫ ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. જિતેન મમુર્યો ડ્રાઇવર છે અને યાદવને તેણે જ્વેલરી હૉલમાર્ક કંપનીમાં નોકરી અપાવી હતી. બન્ને જણ કાંદિવલી (ઈસ્ટ)ના હનુમાનનગરમાં ભાડાના ઘરમાં રહેતા હતા. તેઓએ તેમના ગામમાં બિઝનેસ શરૂ કરવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમને ૩ એપ્રિલ સુધીની પોલીસ-કસ્ટડી મળી છે.