11 October, 2025 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉથ મુંબઈમાં ૨૦ વર્ષની દિવ્યાંગ યુવતી પર બળાત્કારની ભયંકર ઘટના સામે આવી હતી. બોલી કે સાંભળી ન શકતી માનસિક રીતે અસ્થિર યુવતી પર એક-બે નહીં પણ ૧૭થી વધુ લોકોએ અલગ-અલગ દિવસોમાં બળાત્કાર કર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. યુવતી ગર્ભવતી બન્યા બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
અત્યારે આ કેસમાં પીડિતા યુવતી દ્વારા નામ આપવામાં આવેલા ૧૭થી વધુ શંકાસ્પદ લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ભ્રૂણને DNA પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે.
ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ (FIR) મુજબ આ કેસ બાવીસમી સપ્ટેમ્બરે નોંધવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં ૧૭ વર્ષના એક સગીર છોકરાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને ૩૪ વર્ષના એક પરિણીત પુરુષની ધરપકડ કરવામાં આવી છે.
કફ પરેડ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પીડિત યુવતીએ તેની દાદીને ફરિયાદ કરી હતી કે તેને પેટમાં કીડા ફરતા હોય એવું લાગે છે. ત્યાર બાદ તેને કામા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ સમયે ખબર પડી કે યુવતી પાંચ મહિનાની ગર્ભવતી છે. ત્યાર બાદ કામા હૉસ્પિટલ તરફથી પોલીસને ફરિયાદ કરીને જણાવવામાં આવ્યું હતું.
વિધાયક ભારતી નામના નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ના કાઉન્સેલરોએ બોલી કે સાંભળી ન શકતી પીડિતા સાથે વાતચીત કરવા માટે અને નિવેદન નોંધવા માટે ડ્રૉઇંગ અને ફિંગર ડોલ થેરપીનો ઉપયોગ કરીને તેની વાત જાણી હતી.