આ મુંબઈગરાએ ૧ કલાકમાં ૧૦૦ અજાણ્યાઓના આશીર્વાદ એકઠા કર્યાં

21 May, 2026 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આસપાસના વડીલો, દુકાનદારો અને તમામ અજાણ્યા લોકોને આ પ્રયોગ ખૂબ ગમ્યો હોય એવું લાગે છે. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

મુંબઈનો પ્રણવ તરીકે જાણીતો એક કન્ટેન્ટ ક્રીએટર મુંબઈની ગલીઓમાં અજાણ્યા લોકોને પગે લાગીને તેમના આશીર્વાદ લેતો જોવા મળ્યો હતો. પ્રણવ તેના ફૉલોઅર્સ પાસેથી જાતજાતની ચૅલેન્જિસ સ્વીકારતો હોય છે. એના જ ભાગરૂપે તેણે અજાણ્યાઓ પાસે જઈને પગે લાગીને આશીર્વાદ માગવાનો પડકાર તેના જ ફૉલોઅર્સ પાસેથી મળ્યો હતો. પ્રણવ આ ચૅલેન્જ માટે હાથમાં એક કૅમેરા લઈને નીકળી પડ્યો અને લોકોને પગે લાગીને પૂછવા લાગ્યો, શું તમે મને આશીર્વાદ આપશો?’ આ ઘટનાનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે જેમાં તેણે ૬૦ મિનિટમાં ૧૦૦ લોકોના આશીર્વાદ એકત્ર કર્યા હતા. વિડિયોમાં પહેલાં પ્રણવ તેને મળેલી ચૅલેન્જ સમજાવી રહ્યો છે અને પછી તે રોડ પર અજાણ્યાઓ વચ્ચે નીકળી પડે છે. એક પછી એક અજાણ્યા લોકો પાસે જઈને તે આશીર્વાદ માગે છે. શરૂઆતમાં લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે આ યુવાન કરવા શું માગે છે? જ્યારે કેટલાક રાહદારીઓ ખુશ થઈ જાય છે. કોઈક બે ડગલાં પાછળ હટી જાય છે તો કોઈક એમ જ અજીબ હાસ્ય કરીને ત્યાંથી સરકી જાય છે. જોકે થોડા જ સમયમાં લોકોને આ આઇડિયા ગમી ગયો હોય એવું લાગે છે. લોકો પ્રણવને માથા કે ખભા પર હાથ મૂકીને દિલથી આશીર્વાદ આપે છે. આસપાસના વડીલો, દુકાનદારો અને તમામ અજાણ્યા લોકોને આ પ્રયોગ ખૂબ ગમ્યો હોય એવું લાગે છે. 

mumbai news mumbai social media instagram social networking site