બૉડી બનાવવા વપરાતાં ફૂડ-સપ્લિમેન્ટ્સનો ભેળસેળવાળો જથ્થો જપ્ત

25 February, 2021 09:06 AM IST  |  Mumbai | Mid-day Correspondent

બૉડી બનાવવા વપરાતાં ફૂડ-સપ્લિમેન્ટ્સનો ભેળસેળવાળો જથ્થો જપ્ત

ફાઈલ તસવીર

ભિવંડીની એક કંપનીમાં ફૂડ-સપ્લિમેન્ટ્સના મોટા સ્ટૉકમાં ગરબડ હોવાની માહિતી મળતાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ મળેલી માહિતીના આધારે ભિવંડીના મનકોલીમાં રેઇડ પાડી હતી. અધિકારીઓએ બે કરોડ રૂપિયા કરતાં વધુની કિંમતનો ફૂડ-સપ્લિમેન્ટ્સનો માલ જપ્ત કર્યો હતો. આ ફૂડ-સપ્લિમેન્ટ્સ ખાસ કરીને જિમ્નેશ્યમના ટ્રેઇનરો જે લોકો બૉડીબિલ્ડર જેવું શરીર બનાવવા માગતા હોય તેમને લેવાની ભલામણ કરતા હોય છે.

એફડીએના જૉઇન્ટ કમિશનર (ફૂડ) સુરેશ દેશમુખે કહ્યું હતું કે ‘અમારા અધિકારીઓએ મળેલી માહિતીના આધારે અસિસ્ટન્ટ કમિશનર ભૂષણ મોરેની દોરવણી હેઠળ ઑફિસર એમ. એમ. સાનપની ટીમે ભિવંડીના માનકોલી ખાતેના ઇન્ડિયન ઑઇલના પેટ્રોલ-પમ્પ સામે એ-૧૪૧ના ગાળામાં આવેલી મેસર્સ મુસલી પ્રો-ન્યુટ્રિશન પ્રાઇવેટ લિમિટેડ, કૅર/ઑફ કેરીઇન્ડેવ લૉજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં મંગળવારે રેઇડ પાડીને બે કરોડ રૂપિયા કરતાં વધુનો માલ જપ્ત કર્યો હતો. ત્યાંથી તેમણે અલગ-અલગ જાતનાં ફૂડ-સપ્લિમેન્ટ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. કંપની દ્વારા વેચાતાં એ ફૂડ-સપ્લિમેન્ટ્સમાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ સેફ્ટી ઑફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત કરાયેલા આરડીએ (રેકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ)નું પ્રમાણ વધુ જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત એમાંની એક આઇટમમાં પીએબીએ - પાબા (પારા અમિનો બેન્ઝોઇક ઍસિડ)નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હોવાથી એ બધો જ માલ જપ્ત કરવામાં આવ્યો હતો. અમે ૧૦ સૅમ્પલ ચકાસણી માટે મોકલ્યાં હતાં.’

પાબાના વધુ પડતા ઉપયોગને કારણે લિવર, કિડની અને લોહીને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે.

bhiwandi mumbai mumbai news