21 February, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોસ્ટલ રોડ
૧૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કોસ્ટલ રોડ પર વરલી તરફ જવાના રસ્તે હાજીઅલી પાસે રસ્તામાં ક્રૅક આવી ગઈ હોવાથી ત્યાં ડામરનું પૅચવર્ક કરવામાં આવ્યું હોવાથી એનો વિડિયો સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થયો છે. ગયા વર્ષના જુલાઈમાં શરૂ થયેલા કોસ્ટલ રોડ પર ૬ મહિનામાં જ ક્રૅક આવવાની શરૂઆત થઈ હોવાથી નેટિઝન્સે એના કામની ક્વૉલિટી સામે સવાલ કર્યા હતા. અમુક લોકોએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે તમે જોજો, ચોમાસામાં તો આ રોડની હાલત ખરાબ થઈ જશે. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘કૉન્ક્રીટનો આ રોડ ચોમાસામાં બનાવવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે રોડની વચ્ચેના જૉઇન્ટ્સ ખૂલી ગયા છે એટલે એના પર ડામરીકરણ કરવામાં આવ્યું છે.’
સોશ્યલ મીડિયા પર આ પૅચવર્કનો જે વિડિયો મૂકવામાં આવ્યો છે એ એટલો વાઇરલ થયો છે કે ગણતરીના કલાકોમાં ચાર લાખ લોકોએ એ જોઈ નાખ્યો હતો.