માલિકી હકનાં ઘર નહીં તો વોટ નહીં

24 March, 2023 10:06 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વીફરેલા સફાઈ કર્મચારીઓની મુખ્ય પ્રધાન સાથે બેઠક થવાની શક્યતા : આઝાદ મેદાન ખાતે હલ્લા-બોલ મોરચાના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મુંબઈના સફાઈ કર્મચારીઓ જે ઘરમાં રહીને પોતાની સેવા આપી રહ્યા છે એને કોઈ પણ બાંયધરી કે ફરી ક્યારે ઘર મળશે એની કોઈ માહિતી આપ્યા વગર જ સુધરાઈ નોટિસ આપીને જબરદસ્તી ખાલી કરાવી રહી હોવાનું સફાઈ કર્મચારીઓનું કહેવું છે. પોતાના માલિકીહકનાં ઘરો મેળવવા સફાઈ કર્મચારીઓએ કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે. એ માટે ગઈ કાલે આઝાદ મેદાનમાં હલ્લા-બોલ જનઆક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને લડત કરવાની તૈયારી બતાવી હતી. આ મોરચામાં વિધાનસભ્ય સુનીલ શિંદે, અજય ચૌધરી, સચિન અહિરની પણ ઉપસ્થિતિ હતી. એમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવી હતી.

સફાઈ કામદાર માલિકી ઘર સમિતિ અને અખિલ ભારતીય મજદૂર યુનિયન કૉન્ગ્રેસ સંઘ દ્વારા ‘ચાલો આઝાદ મેદાન આપણા હક માટે, આપણા માલિકી ઘર માટે’ હલ્લાબોલ મોરચાનું આયોજન કરાયું હતું. આ વિશે વધુ મહિતી આપતાં સફાઈ કામદાર માલિકી ઘર સમિતિના અધ્યક્ષ ભરત સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના વિવિધ સફાઈ કર્મચારીઓના વિસ્તારોમાંથી સેંકડો સફાઈ કર્મચારીઓએ આ આક્રોશ મોરચામાં ભાગ લીધો હતો. આ મોરચામાં મુંબઈના વિધાનસભ્યોએ કર્મચારીઓને સંબોધ્યા હતા. જો સફાઈ કર્મચારીઓ બે દિવસ મુંબઈ સ્વચ્છ ન કરે તો આખા મુંબઈની ખૂબ જ ખરાબ હાલત થઈ શકે છે. સફાઈ કર્મચારીઓને તેમની માલિકીનાં ઘર આપવાં જોઈએ એમ ત્રણેય વિધાનસભ્યોને એક સૂરમાં મોરચામાં જણાવ્યું હતું. અમારી માગણી મુખ્ય પ્રધાન સુધી પહોંચી છે અને તેમની સાથે ટૂંક સમયમાં બેઠક થાય એવી શક્યતા પણ છે.’

અખિલ ભારતીય સફાઈ મજદૂર યુનિયન કૉન્ગ્રેસ સંઘના અધ્યક્ષ ગોવિંદ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સરકાર સફાઈ કર્મચારીઓને માલિકીનાં ઘર આપતી નથી. ફક્ત વિધાનભવનમાં ખોટી જાહેરાતો કરે છે. આ ઉપરાંત ૨૦૨૩ની ૨૪ ફેબ્રુઆરીએ આ સરકારે એક અલગ જીઆર બહાર પાડ્યું છે જેમાં ઉંમર, શિક્ષણ અને જાતિ પ્રમાણપત્ર વિશેની અનેક શરતો રાખી છે જે અમને જરાય માન્ય નથી. આ જીઆરની અંદર સરકાર સુધારણા નહીં કરે તો આવતા સમયમાં મુંબઈ શહેરના સફાઈ કર્મચારીઓ તીવ્ર આંદોલનો કરશે. અમને આ બધું બીએમસીના ઇલેક્શન પહેલાં જ જોઈએ છે. અન્યથા સફાઈ કર્મચારીઓ આવતી મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. માલિકી હકના ઘર નહીં તો વોટ પણ નહીં એ અમારું સ્ટૅન્ડ રહેશે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation eknath shinde