21 March, 2021 03:35 PM IST | Mumbai | Preeti Khuman Thakur
સેન્ટ્રલ રેલવેનાં બે મુખ્ય સ્ટેશનો પર બેસાડવામાં આવેલું પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કિઓસ્ક.
સેન્ટ્રલ રેલવેએ પ્લાસ્ટિકના સંગ્રહ અને રીસાઇક્લિંગ વિશે જાગરૂકતા ફેલાવવા અને એની સાથે માસ્ક પહેરવા લોકોને પ્રોત્સાહિત કરવા ‘પ્લાસ્ટિક લાઓ, માસ્ક પાઓ’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગામ-ઇન્ડિયા, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા, હિન્દુસ્તાન યુનિલીવર અને સ્ત્રીમુક્તિ સંગઠનના સહયોગથી એક મહિના માટે ચલાવવામાં આવશે.
પ્લાસ્ટિકની સામે પ્રવાસીઓને આપવામાં આવી રહેલા માસ્ક.
પ્લાસ્ટિકના પ્રદૂષણના સંકટને દૂર કરવા માટે સેન્ટ્રલ રેલવે દ્વારા એના પ્રોજેક્ટના ભાગીદારો સાથે મળીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને દાદર રેલવે-સ્ટેશન પર ગ્લોબલ રીસાઇક્લિંગ ડે નિમિત્તે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કિઓસ્ક સ્થાપવામાં આવ્યાં છે. એ અંતર્ગત પ્લાસ્ટિકના કચરાને એકઠો કરીને એના રીસાઇક્લિંગના મહત્ત્વ પર જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
કઈ રીતે ઉપયોગ કરાશે?
પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કિઓસ્કમાં લોકો પ્લાસ્ટિકનો દરેક પ્રકારનો કચરો જેમ કે પીઈટી બૉટલ, પૉલિથિન બૅગ વગેરે જમા કરાવી શકાશે.
એની સામે તેમને માસ્ક આપવામાં આવશે. કોરોનાના સંક્રમણને રોકવા માસ્ક પહેરવો અનિવાર્ય હોવાનો મેસેજ પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.