રોડ ધોવા બીએમસી ચાર મહિનામાં ૧૩ કરોડ ખર્ચશે

21 November, 2023 12:40 PM IST  |  Mumbai | Prajakta Kasale

શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે બીએમસી છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારનાં પગલાં લઈ રહ્યું છે, જેમાં ધૂળ ન ઊડે એ માટે કૉન્ટ્રૅક્ટરોને નોટિસ આપવામાં આવી છે

ફાઇલ તસવીર

રસ્તા પરની ધૂળ સાફ કરવા તેમ જ હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે આગામી ચાર મહિનામાં બીએમસી શહેરના ૬૦૦ કિલોમીટર જેટલા માર્ગોને પાણીથી ધોવા માટે સજ્જ બન્યું છે અને એ માટે ૧૩ કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી થયું છે. ધોવા માટેના માર્ગોનું અંતર જો વધીને ૧૦૦૦ કિલોમીટર થશે તો આ ખર્ચ ૨૫ કરોડ રૂપિયા જેટલો થશે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે બીએમસી છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારનાં પગલાં લઈ રહ્યું છે, જેમાં ધૂળ ન ઊડે એ માટે કૉન્ટ્રૅક્ટરોને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ફર્નેશ હટાવવામાં આવ્યા છે અને વાહનોમાં ઍર-ફિલ્ટર્સ લગાડવાની વિચારણા ચાલી રહી છે. શહેરમાં કુલ ૨૦૫૦ કિલોમીટર જેટલા અંતરના માર્ગો છે. આમાંથી બીએમસી દરરોજ ૨૫૦થી ૩૦૦ કિલોમીટરના રોડ પાણીથી સાફ કરે છે. હવે બીએમસી દરરોજ ૬૫૦ કિલોમીટર રોડ ધોવાનું વિચારી રહ્યું છે, જેથી ત્રણ દિવસની અંદર શહેરના બધા જ રોડ ધોવાઈ જાય. બીએમસીનો આગામી ટાર્ગેટ રોજના ૧૦૦૦ કિલોમીટર માર્ગ ધોવાનો છે. માર્ગો ધોવા માટે બીએમસીનો સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગ પાણીનાં ટૅન્કરો પૂરાં પાડે છે. આ ઉપરાંત પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરો પાસેથી પણ ટૅન્કરો મેળવવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં એક કિલોમીટર માર્ગ ધોવા માટે ૧૫૦૦થી ૨૫૦૦ લિટર જેટલું પાણી વપરાતું હોય છે. જોકે અલગ-અલગ વૉર્ડમાં પાણીના વપરાશનું પ્રમાણ અલગ હોય છે. જે વૉર્ડમાં માર્ગો પહોળા હોય ત્યાંના માર્ગ ધોવા માટે વધુ પાણી વપરાતું હોય છે. 

brihanmumbai municipal corporation air pollution mumbai mumbai news prajakta kasale