જોગેશ્વરીથી બાંદરા અને ઘાટકોપરમાં: પાણીના ધાંધિયા હજી ચાલુ જ રહેવાના

03 February, 2020 07:46 AM IST  |  Mumbai

જોગેશ્વરીથી બાંદરા અને ઘાટકોપરમાં: પાણીના ધાંધિયા હજી ચાલુ જ રહેવાના

પ્રતીકાત્મક તસવીર

જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર મેટ્રો રેલવેની છઠ્ઠી લાઇન (મેટ્રો-૬)ના બાંધકામને કારણે વેરાવલી જળાશયમાંથી પુરવઠો લાવતી પાઇપલાઇનને નુકસાન થતાં ઉપનગરોના વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠાની સમસ્યાની ફરિયાદો વધતી જાય છે. ગુરુવારથી જોગેશ્વરીથી બાંદરા ઉપરાંત ઘાટકોપર અને કુર્લાથી પણ પાણીપુરવઠો ખોરવાયો હોવાની ફરિયાદો વધી છે. મુંબઈના એક તૃતીયાંશ ભાગમાં પાણીપુવરઠો ઓછા દબાણથી અથવા ટૂંકા ગાળા માટે પ્રાપ્ત થાય છે.

અંધેરી (પૂર્વ)ની શેરે પંજાબ કૉલોનીથી વર્સોવાની લૅન્ડ્સએન્ડ સોસાયટી અને કાલ‌િના કો-ઑપરેટિવ સોસાયટીથી સાંતાક્રુઝની ખોતવાડી સુધીના વિસ્તારો, ઘાટકોપરના ગોલીબાર રોડ તેમજ જોગેશ્વરીની હાઉસિંગ સોસાયટીઓ તથા કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં પાણીપુરવઠાની રામાયણ ચાર દિવસથી ચાલે છે. રવિવારે ઘણી હાઉસિંગ સોસાયટીઓએ ટૅન્કર્સ મગાવ્ય‍ાં હતાં. મહાનગરપાલિકાએ પણ અનેક વિસ્તારોમાં થોડા દિવસ માટે ઓછા દબાણથી પાણીપુરવઠો મળવાની જાહેરાત કરી છે.

મેટ્રો-૬ના બાંધકામ માટે મુંબઈ મહાનગરપાલિકાની પરવાનગી માગતી વેળા સંબંધિત ક્ષેત્રની અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝનો નકશો પણ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીઓએ માગ્યો હતો. મહાનગરપાલિકાએ નકશામાં પાણીની પાઇપલાઇનનું સ્થાન બતાવવામાં ભૂલ કરી હોવાનો દાવો એમએમઆરડીએના અધિકારીઓએ કર્યો હતો. એ ભૂલને કારણે અન્ડરગ્રાઉન્ડ ૭૨ ઇંચની પાઇપલાઇનને નુકસાન થતાં જોગેશ્વરીથી સાંતાક્રુઝ અને કુર્લા-ઘાટકોપર સુધી પાણીપુરવઠો ખોરવાયો હતો.

મુંબઈ મહાનગરપાલિકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘વેરાવલી જળાશયથી પાણી લાવતી ૭૨ ઇંચ પહોળાઈની પાઇપલાઇનનું સમારકામ પૂરું થયું છે. એથી પૂર્વનાં પરાં અને પશ્ચિમનાં પરાંમાં જ્યાં-જ્યાં પાણીપુરવઠો ખોરવાયો હતો ત્યાં-ત્યાં હવે રાબેતા મુજબ પાણી મળ‍વા માંડશે. જોકે થોડા દિવસ પાણીપુરવઠામાં ઓછું દબાણ રહેવાનું હોવાની સ્પષ્ટતા મહાનગરપાલિકાના કે-વેસ્ટ વૉર્ડ તરફથી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટના અકાઉન્ટમાં કરવામાં આવી છે.

mumbai brihanmumbai municipal corporation jogeshwari bandra kurla ghatkopar mumbai news