મુંબઈ: આંતરરાષ્ટ્રીય મહિલા દિને બેસ્ટનું અનોખું આયોજન

08 March, 2021 07:34 AM IST  |  Mumbai | Rajendra Aklekar

મુંબઈ: આંતરરાષ્ટ્રીય મહિલા દિને બેસ્ટનું અનોખું આયોજન

આજે બેસ્ટ અન્ડરટેકિંગના દાદર વર્કશૉપમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના કાર્યક્રમમાં ડૉ. મનાલી રાઉત સ્ટાર ગેસ્ટ્સમાંથી એક તરીકે ઉપસ્થિત રહેશે.

બેસ્ટ અન્ડરટેકિંગમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને અનોખો ઉત્સવ ઊજવાશે. લૉકડાઉન દરમ્યાન સગર્ભાવસ્થામાં પણ સેવા આપતાં રહેનાર મેડિકલ ઑફિસર ડૉક્ટર મનાલી રાઉતનું બહુમાન કરવામાં આવશે. આજે બેસ્ટ અન્ડરટેકિંગની દાદર વર્કશૉપમાં યોજાયેલા કાર્યક્રમમાં વિશેષ સન્માન સમારંભ યોજાયો છે. ડૉ. મનાલી રાઉતે લૉકડાઉનના પહેલા દિવસથી સગર્ભાવસ્થાના છેલ્લા દિવસ સુધી ડૉક્ટર તરીકે ખડેપગે ફરજ નિભાવી હતી. ગયા વર્ષના નવેમ્બર મહિનામાં ડૉ. મનાલી રાઉતની કૂખે દીકરો અવતર્યો ત્યારથી તેઓ પ્રસૂતિની રજા પર છે, પરંતુ આજે બેસ્ટની દાદર વર્કશૉપમાં યોજાનારા કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે.

રોગચાળાના લૉકડાઉનના દિવસોમાં સબર્બન ટ્રેન-સર્વિસ બંધ હતી ત્યારે પણ બેસ્ટ અન્ડરટેકિંગે એક પણ દિવસની ખલેલ પાડ્યા વગર સાર્વજનિક વાહનવ્યવહાર સક્રિય રાખવાની સાથે ૪૦,૦૦૦ કર્મચારીઓના આરોગ્યની કાળજી રાખીને એ બાબતની ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશનની પ્રશંસા પ્રાપ્ત કરી છે. સ્વાભાવિક રીતે જ આ દિવસોમાં નિષ્ઠાપૂર્વક સેવા આપનારા એના કર્મચારીઓની કાળજી રાખવામાં પણ બેસ્ટના તંત્રે કોઈ કચાશ રાખી નથી. એ માટે તબીબી સુવિધાઓ જાળવવામાં ડૉ. મનાલી રાઉત જેવા અધિકારીઓ અને કર્મચારીઓની સમર્પિત સેવાઓનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો.

ડૉ. મનાલી રાઉતે જણાવ્યું હતું કે ‘હું બેસ્ટ અન્ડરટેકિંગમાં મેડિકલ ઑફિસર છું. મને મારી સગર્ભાવસ્થાની જાણ ૧૯ માર્ચે થઈ અને ૨૨ માર્ચે કોરોના રોગચાળાનું લૉકડાઉન શરૂ થયું. ત્યાર પછી સ્થિતિ બદલાવા માંડી અને સંજોગોએ અણધાર્યો વળાંક લીધો હતો. સૌને માટે પડકારભર્યો સમય આવ્યો હતો. તમામ નાગરિકોના આરોગ્ય અને ક્ષેમકુશળતાની જવાબદારી તબીબી ક્ષેત્ર પર આવી પડી હતી. એવા સંજોગોમાં બેસ્ટ અન્ડરટેકિંગના કર્મચારીઓ સહિતનું સમગ્ર તંત્ર જ્યારે સક્રિય રહેતું હોય ત્યારે તેમના આરોગ્યની જવાબદારી મેડિકલ ડિપાર્ટમેન્ટ પર હતી. મેં એ પડકાર ઝીલી લીધો અને સગર્ભાવસ્થાના ૯ મહિના સતત કાર્યરત રહી હતી.’

womens day mumbai mumbai news rajendra aklekar coronavirus covid19 lockdow