મરોલની BMC મૅટરનિટી હૉસ્પિટલમાં મેટ્રોના કામને લીધે પેશન્ટ્સના જીવ જોખમ

19 January, 2019 09:11 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મરોલની BMC મૅટરનિટી હૉસ્પિટલમાં મેટ્રોના કામને લીધે પેશન્ટ્સના જીવ જોખમ

મેટ્રો ૩ના મોડી રાતે થતા કામને કારણે મરોલ ગાવઠણના રહેવાસીઓની રાતની ઊંઘ ઊડી જવાની સાથે ઘરોમાં તિરાડ પડી હોવાનો બનાવ તાજેતરમાં બહાર આવ્યો હતો. જોકે આ મેટ્રો ૩ના કામે હવે અંધેરી (ઈસ્ટ)માં મરોલમાં આવેલી BMC મૅટરનિટી હૉસ્પિટલમાં ઍડ્મિટ મહિલાઓ અને નાનાં બાળકોની ઊંઘ ઊડાડી દીધી છે. હૉસ્પિટલમાં દિવસભર મોટી સંખ્યામાં પેશન્ટની અવરજવર થતી હોય છે અને અહીં વૅક્સિનેશન સેન્ટર પણ આવેલું છે. જોકે હાલમાં આ હૉસ્પિટલમાં પૅશન્ટના બેડની પાસે, ગેટ પાસે એમ આખી હૉસ્પિટલના દરેક ફ્લોર પર મેટલના પ્રોપ્સ લગાડવામાં આવ્યા છે. જોખમી અવસ્થામાં આવેલી હૉસ્પિટલમાં મેટ્રો ૩નું કામ થતું હોવાથી એ વધુ જોખમી બની હોવાથી અંધેરીની એક સામાજિક સંસ્થાએ આગળ આવીને પ્રશાસનને આ વિશે પત્રવ્યવહાર કરીને પગલાં લેવાની માગણી કરી છે તેમ જ પ્રશાસન પેશન્ટના જીવ જોખમમાં મૂકી રહ્યું હોવાનો આરોપ પણ કર્યો છે.

મેટ્રોના મરોલ નાકા સ્ટેશનથી ૧૦૦ મીટરની દૂરી પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ છ માળની BMC મૅટરનિટી હૉસ્પિટલમાં મહિને ૧૦૦થી વધુ ડિલિવરી થતી હોય છે. એ ઉપરાંત રોજ ચેકઅપ કરાવવા ૧૦૦થી વધુ મહિલાઓ આવતી હોય છે. વૅક્સિનેશન કરવા, પોલિયોનું સેન્ટર હોવાથી એનો સ્ટાફ રિપોર્ટિંગ કરવા માટે હૉસ્પિટલમાં આવતો હોય છે તેમ જ રેસિડેન્ટ ડૉક્ટર પણ અહીં રહે છે. એથી દિવસભર મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે અને BMC વ્યસ્ત રહેતી હૉસ્પિટલ પણ છે.

આ પણ વાંચોઃ વિરાર નજીક લાગેલી આગમાં પોલીસે જપ્ત કરેલાં 100 વાહનો સ્વાહા

મેટ્રો ૩નું કામ હૉસ્પિટલને વધુ જોખમી બનાવી શકે છે એમ જણાવતાં અંધેરીના વૉચડૉગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૉડફ્રે પિમેન્ટાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ મૅટરનિટી હૉસ્પિટલને અમુક વર્ષ પહેલાં સારોએવો ખર્ચો કરીને ગ્પ્ઘ્ દ્વારા રિપેર કરવામાં આવી હતી, પરંતુ પ્રશાસનની લાપરવાહીને કારણે હૉસ્પિટલની દીવાલોમાં તિરાડ પણ આવી ગઈ છે અને ટાઇલ્સ પણ ઢીલી પડી ગઈ છે તેમ જ હાલમાં મેટ્રો ૩નું કામ ચાલી રહ્યું છે એથી હૉસ્પિટલના બિલ્ડિંગને હલકી ગુણવત્તા ધરાવતા મેટલ પ્રોપ્સ જેની ઊંચાઈ લગભગ ૧૨ ફીટ હશે એનાથી સર્પોટ આપવામાં આવ્યો છે. હૉસ્પિટલમાં આ દૃશ્ય જોતાં અમને ખૂબ જ શૉક લાગ્યો હોવાથી અમે અમારા ઓળખીતા આર્કિટેક્ચર મિત્રને બધા ફોટો દેખાડ્યા હતા. તેણે એના પર અભ્યાસ કરીને સ્ટ્રક્ચર વીક હોવાથી બીમ્સ અને કૉલમ્સને સર્પોટ આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ મેટલના સપોટ્ર્સ પેશન્ટ ઍડ્મિટ છે એ વૉર્ડમાં પણ લગાડેલા છે. પૅશન્ટના બેડ પાસે આવા સપોટ્ર્સ લગાડેલા હોવાથી તેમના જીવ સાથે રમત કરવામાં આવી રહી હોય એ સ્પષ્ટ દેખાય આવ્યું છે. મેટ્રો ૩ને કારણે ટનલ બોરિંગ મશીન અમારા ઘર પાસેથી પસાર થતાં એના વાઇબ્રેશનને કારણે અમારાં અનેક ઘરોમાં તિરાડ પડી ગઈ છે તેમ જ રાતના પણ કામ ચાલુ રાખતા હોવાથી અમારી રાતની ઊંઘ ખરાબ કરી દીધી હતી. આ વિશે પણ અમે વિરોધ દાખવ્યો હતો. જોકે હૉસ્પિટલનો મુદ્દો અતિ ગંભીર હોવાથી મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડને ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વિકાસ સાથે લોકોની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જરૂરી છે. હૉસ્પિટલમાં ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બની તો એનું જવાબદાર કોણ રહેશે?’

mumbai