મુંબઈ : માંડ બિઝનેસ જામ્યો છે ત્યાં જ પાલિકા દુકાન સીલ કરી જાય છે

01 October, 2020 07:25 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : માંડ બિઝનેસ જામ્યો છે ત્યાં જ પાલિકા દુકાન સીલ કરી જાય છે

થાણેમાં નિયમોનું પાલન ન કરનારા દુકાનદારો સામે પાલિકાની ટીમ કાર્યવાહી કરી રહી છે.

કોરોના રોગચાળાને ધ્યાનમાં લેતાં થાણે મહાનગરપાલિકાએ દુકાનો ખુલ્લી રાખવાનો રાતના ૭ વાગ્યા સુધીનો નિયમ હોવા છતાં એનું પાલન ન કરનારાઓ સામે સોમ અને મંગળવારે કાર્યવાહી હાથ ધરી હતી. બે દિવસમાં નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ૭૨ દુકાનો સીલ કરીને પાંચ લાખથી વધુનો દંડ વસૂલ્યો હતો. પાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

થાણે મહાનગરપાલિકાના કમિશનર વિપિન શર્માની આગેવાનીમાં અહીંના ૯ વૉર્ડમાં બે દિવસમાં નિયમોનું પાલન ન કરવા બદલ ૭૨ દુકાનો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગઈ કાલની બેઠકમાં કમિશનરે અસિસ્ટન્ટ કમિશનરોને સલામતીનાં ધોરણોનું ઉલ્લંઘન કરતા દુકાનદારો અને સરકારના નિયમનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો હતો.

સોમવારે અને મંગળવારે થાણે સ્ટેશન નજીકની દુકાનો, થાણે નૌપાડા વિસ્તાર, થાણે ઘોડબંદર, ખોપટ વિસ્તાર, માજીવાડા વિસ્તાર સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં મોબાઇલ, કપડાં, બિયર શૉપ, ફૂડ સ્ટૉલ, હોટેલો વગેરે પર કાર્યવાહી કરી હતી.

થાણે મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગના અધિકારી પ્રશાદ પાલંડેએ કહ્યું હતું કે ‘થાણેમાં કોરોના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે, જેને કારણે કમિશનરે દુકાનો, હોટેલો સરકારના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની સામે કડડ કાર્યવાહીના આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.

દુકાનદાર મહેશ પરમારે કહ્યું હતું કે ‘ઘણા સમય બાદ વેપાર જામ્યો છે ત્યારે પાલિકા કાર્યવાહી કરીને અન્યાય કરી રહી છે. મારી દુકાન તેઓ સીલ કરી ચાલ્યા ગયા છે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation thane