28 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રવિવારની મધરાતથી ગઈ કાલે બપોરના બે વાગ્યા દરમ્યાન વરસાદે મુંબઈ અને નવી મુંબઈને રીતસરનું ધમરોળ્યું હતું. મુંબઈમાં ખાસ કરીને નરીમાન પૉઇન્ટથી મુંબઈ સેન્ટ્રલ સુધીના વિસ્તારમાં સૌથી વધુ ૨૫૨ મિ.મી. વરસાદ નરીમાન પૉઇન્ટના ફાયર-સ્ટેશનમાં નોંધાયો હતો. BMCના ‘એ’ વૉર્ડમાં ૨૧૬ મિ.મી., BMCના મુખ્યાલયમાં ૨૧૪ મિ.મી. અને કોલાબા પમ્પિંગ-સ્ટેશનમાં ૨૦૭ મિ.મી. તો ભીંડીબજારમાં આવેલી દો ટાંકીમાં ૨૦૨ મિ.મી. વરસાદ પડ્યો હતો. એટલે કે આ તમામ વિસ્તારમાં આઠથી દસ ઇંચ વરસાદ નોંધાયો હતો.
જોકે મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રમાં ગઈ કાલે સૌથી વધુ ૨૭૦ મિ.મી. વરસાદ પનવેલના ભાટણ ગામમાં આવેલી એમિટી યુનિવર્સિટીમાં નોંધાયો હતો. પનવેલમાં ૨૪૫ મિ.મી. અને કામોઠેમાં ૨૪૦ મિ.મી. વરસાદ પડ્યો હતો. સત્તાવાર રીતે ચોમાસું શરૂ થયા પહેલાં જ એકસાથે દસથી ૧૧ ઇંચ વરસાદ પડવાને લીધે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની મુશ્કેલી સર્જાઈ હતી.