ન્યુ યરનું સેલિબ્રેશન ઈશ્વરની સેવા સાથે

02 January, 2023 09:17 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈ સહિત ભાઈંદરનાં યુવક-યુવતીઓએ ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષનું સેલિબ્રેશન બે જિનાલયનું ભગવાન સાથે સંપૂર્ણ શુદ્ધીકરણ કરીને કર્યું

યુવક-યુવતીઓએ નવા વર્ષે બે જિનાલયોનું ભગવાન સાથે સંપૂર્ણ શુદ્ધીકરણ કર્યું હતું

કોરોનાનાં બે વર્ષ બાદ લોકોને નવા વર્ષની ઉજવણી કરવા મળી હોવાથી તેમનામાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. એથી હોટેલો, બાર, રિસોર્ટ્સ વગેરે ફુલ થઈ ગયાં હતાં. જોકે મુંબઈ સહિત ભાઈંદરનાં યુવક-યુવતીઓએ કંઈક અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરીને લોકોને સંદેશ આપ્યો હતો. વેસ્ટર્ન કલ્ચર સાથે યંગ જનરેશન નવા વર્ષની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે રાધનપુરમાં આવેલાં બે જિનાલયોનું ભગવાન સાથે સંપૂર્ણ શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું. આ બે દિવસ દરમ્યાન શુદ્ધીકરણ સાથે પ્રભુસેવા અને પ્રભુભક્તિ કરીને ઉજવણી કરવામાં આવી હતી.

જિનાલય રક્ષા પરિવાર, રાધનપુરના નેજા હેઠળ રાધનપુર જૈન મંડળ, ભાઈંદરનાં ૨૫ યુવક-યુવતીઓએ ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરીની અનોખી રીતે ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. એ પ્રમાણે મંડળનાં ૨૫ યુવક-યુવતીઓ શુક્રવારે પોતાના વતન રાધનપુર માટે રવાના થયાં હતાં. અહીં ૨૫ જિનાલયો શોભે છે એવા તીર્થની ભાની પોળનાં બે જિનાલયનું ભગવાન સાથે સંપૂર્ણ શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું.

રાધનપુર જૈન મંડળ, ભાઈંદરના ઉપપ્રમુખ પીયૂષ ધામીએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બધા વર્ગના લોકો રાતભર ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે અમે સમાજને અનોખો સંદેશ આપ્યો હતો. આખા જિનાલયની સાફસફાઈ કરવાની સાથે દિવસ દરમ્યાન શુદ્ધીકરણ, પ્રભુસેવા, પ્રભુભક્તિ પણ કરવામાં આવી હતી. ગામના ઘણા લોકો બહાર જઈને વસવાટ કરવા લાગ્યા છે ત્યારે જિનાલયની હાલત બગડતી જાય છે. અમારા રક્ષા પરિવારે હવેથી દર મહિને ટીમ મોકલવાનો નિર્ણય લીધો છે. આખી દુનિયા થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં મજા કરી રહી હતી ત્યારે અમારા ગામના આ ગ્રુપે કંઈક નવું કરવાનું વિચાર્યું અને એ કરીને દેખાડ્યું હતું.’

mumbai mumbai news bhayander new year preeti khuman-thakur